અમેરિકાની સેના ટૂંક સમયમાં જ સિરિયાથી પરત ફરશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી થોડા જ સમયમાં અમેરિકાની સેનાને સિ‌િરયાથી પરત બોલાવી લેવામાં આવશે. તેમણે એ વાતનો પણ અફસોસ વ્યકત કર્યો હતો કે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં યુદ્ધો પાછળ સાત હજાર અબજ ડોલર અેટલે કે લગભગ ૪૫૫ લાખ કરોડની રકમ બરબાદ કરી છે.

ઓહાયો પ્રાંતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ને પરાસ્ત કરવા માટે અમેરિકા તેના તમામ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. આઈએસના અડ્ડા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને અમારી સેના ટૂંક સમયમાં જ સિરિયાથી બહાર નીકળી જશે.

હવે બીજા લોકોએ આ બાબતે જવાબદારી લેવી જોઈએ. અમે પશ્ચિમ એશિયામાં યુદ્ધ પાછળ સાત હજાર અબજ ડોલરનો ખર્ચ કર્યો છે અને અમે સ્કૂલો પણ બનાવી છે તેમ છતાં આતંકીઓએ બોમ્બથી તેને ઉડાવી દેતાં અમારો ખર્ચ બરબાદ થઈ ગયો છે.

આ અગાઉ અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમેરિકી ગઠબંધને આઈએસને પરાસ્ત કરી દીધું છે. તેથી હવે તે ફરી માથુ ઊંચકી નહિ શકે. તે માટે કેટલાંક મહત્ત્વનાં કામ બાકી છે.

You might also like