ટ્રમ્પ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મળવા ઉત્સુક

વોશિંગ્ટન: આમ તો વિશ્વના મોટા ભાગના નેતાઓ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને મળવા માગતા નથી, પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈચ્છા વ્યક્ત કરી છે કે જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો તેઓ નોર્થ કોરિયાના તાનાશાહને મળવા જશે.

બ્લૂમબર્ગ ન્યૂઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કિમ જોંગને મળવાનું નક્કી થશે તો હું ચોક્કસ તેમને મળીશ, પરંતુ આ માટે યોગ્ય પરિસ્થિતિ અને યોગ્ય સમયની હું રાહ જોઉં છું. ટ્રમ્પના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઈસરે જણાવ્યું કે ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની મુલાકાત માટે જે શરત હોવી જોઈએ તેવી હાલ પરિસ્થિતિ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ભડકાવનારાં નિવેદન અને ઉશ્કેરવાનું કામ બંધ કરી દેવું જોઈએ તેમજ ઉત્તર કોરિયાએ તેના પરમાણુ કાર્યક્રમને અટકાવી દેવો જોઈએ, કારણ તેના આ કાર્યક્રમથી અમેરિકા સામે ખતરો ઊભો થાય તેમ છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ઉત્તર કોરિયાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવની સ્થિતી ઊભી થઈ છે.

લોકો તેની સરખામણી શીતયુદ્ધ વખતે ઊભા થયેલા ક્યુબન સંકટ સાથે કરી રહ્યા છે. નોર્થ કોરિયા દ્વારા તાજેતરમાં પરમાણુ હથિયાર અંગે અનેક નિષ્ફળ પરીક્ષણ કરવામાં આવ્યાં છે. અમેરિકાની સખત ચેતવણી છતાં પ્યોંગયાંગે તેના પરમાણુ હથિયારના કાર્યક્રમમાંથી પીછેહઠ કરવાનો ઈન્કાર કર્યો હતો. તેના કારણે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવની સ્થિતિ વધી ગઈ છે તેમજ અમેરિકા અને અન્ય કેટલાક દેશોની ગુપ્તચર એજન્સીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે ઉત્તર કોરિયા ટૂંક સમયમાં પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી શકે તેમ છે.

http://sambhaavnews.com/

You might also like