ડોનાલ્ડ ટ્રમ્પ એકાએક ઈરાક પહોંચી જતાં સમગ્ર દુનિયામાં આશ્ચર્ય ફેલાયું

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ચોંકાવનારા નિર્ણયોને લઇને હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે. ‌િસરિયા અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પાછી બોલાવી લેવાના આદેશ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું પગલું લીધું હતું કે જે જોઇને સમગ્ર દુનિયા આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે સૌને ચોંકાવીને ઇરાક પહોંચી ગયા હતા. ઇરાકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે અમેરિકન બેઝની સ્થળ પર સમીક્ષા કરવા પહોંચી ગયા હતા. ઇરાક પણ સીરિયાની સરહદ પર આવેલું છે અને આ સંજોગોમાં ટ્રમ્પની ઇરાકની અણધારી મુલાકાતે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાકની આ મુલાકાત અંગે કોઇને પૂર્વ જાણકારી નહોતી. સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવવાના નિર્ણય પર ડોનાલ્ડ ટ્રમ્પની ચોમેરથી ટીકા થઇ રહી છે અને આ કારણસર જ હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલું લઇને પોતાના ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે.

ઇરાકના બેઝ કેમ્પમાં પહોંચેલા સૈનિકોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમની નીતિ હંમેશાં અમેરિકા ફર્સ્ટની રહી છે અને આ કારણસર જ તેમણે આવા નિર્ણય લીધા છે. અમેરિકાનો આ બેઝ કેમ્પ ઇરાકની રાજધાની બગદાદથી માત્ર ૬૦ કિ.મી.ના અંતરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હવે આપણે માત્ર સહન કરવાવાળા દેશ રહ્યા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાકના બેઝકેમ્પ પર ત્રણ કલાક સુધી રહ્યા હતા. જોકે તેમણે કોઇ સ્થાનિક ઇરાકી અધિકારીની મુલાકાત લીધી નહોતી. હા તેમણે ઇરાકના વડા પ્રધાન અદેલ અબ્દુલ મેહદી સાથે ફોન પર ચોક્કસ વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલ સુધી ઇરાકમાં અમેરિકી સૈનિકોની સંંખ્યા એક લાખની આસપાસ હતી જે હવે ઘટીને માત્ર પ,૦૦૦ની થઇ ગઇ છે.

You might also like