અમેરિકામાં ગેરકાયદે વસતા ઈમિગ્રન્ટસને હાંકી કઢાશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કોઇ પણ જાતના કાનૂની દસ્તાવેજ વગર ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આવા લાખો ઇમિગ્રન્ટસને કોઇ જ માફી આપવામાં આવશે નહીં અને તેમને તેમના દેશમાં પરત મોકલી આપવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના રાષ્ટ્રપતિ એનરિક પેના નીટોની સાથે મેક્સિકો સિટીમાં યોજાયેલી બેઠકના થોડા કલાકો બાદ પોતાની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી દસ મુદ્દાની સુદૃઢ અને કડક ઇમિગ્રેશન નીતિ જાહેર કરતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને અમારો એ સંદેશ હશે કે તમે અમારા દેશમાં ગેરકાયદે પ્રવેશ કરીને કાનૂની દરજ્જો હાંસલ કરી શકશો નહીં. દેશમાં ઓછા ઓછા ર૦ લાખ વિદેશીઓ ગેરકાયદે વસી રહ્યા છે અને મારો વિજય થયા બાદ વહીવટી તંત્ર પ્રથમ દિવસથી જ તેમને દેશની બહાર હાંકી કાઢવાની કાર્યવાહી આરંભી દેશે.

આમ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ હિલેરીની ઇમિગ્રેશન નીતિ કરતાં તદ્દન વિપરીત છે. હિલેરી ક્લિન્ટરની ઇમિગ્રેશન નીતિ દયા અને કરુણાની ભાવના પર આધારિત છે અને તે અહીં લગભગ ૧.૧૦ કરોડ ગેરકાયદે ઈમિગ્રન્ટસને અમેરિકામાં વસવાટ કરવા માટેનો માર્ગ મોકળો કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની દ‌િક્ષણ સરહદે એક મજબૂત દીવાલનું નિર્માણ, ગેરકાયદે વિદેશીઓની દેશમાંથી તત્કાળ હકાલપટ્ટી, દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટસ માટે કોઇ ક્ષમા નહીં અને દેશમાં પ્રવેશ કરવા ઇચ્છતા લોકો માટે કાનૂની પ્રમાણપત્રોની સાથે કડક તપાસ અને યોગ્યતાના આધારે પ્રવેશ આ નીતિના મુખ્ય પાસાં છે.

You might also like