ડોનાલ્ડ ટ્રમ્પને સાંસદોનું સમર્થન નહીં મળતાં ‘હેલ્થ કેર બિલ’ પરત ખેંચાયું

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નવા હેલ્થ કેર બિલને પસાર કરવામાં સાંસદોનું સમર્થન નહીં મળતાં આ બિલ પરત ખેંચવું પડ્યું છે. આથી ટ્રમ્પને ભારે ઝટકો લાગ્યો છે. બિલ પસાર કરવા માટે સાંસદોનું જરૂરી સમર્થન નહીં મળતાં મતદાન પહેલાં જ આ બિલ પરત ખેંચવું પડ્યું હતું. ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં આ મુખ્ય મુદ્દો હતો.

યુએસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ એટલે કે પ્રતિનિધિસભાના અધ્યક્ષ પોલ રેયાનના જણાવ્યા અનુસાર હવે જ્યારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બિલની તરફેણમાં રિપબ્લિકનના પ્રતિનિધિઓના જરૂરી ર૧૬ મત નહિ મળે તેથી ટ્રમ્પ પણ મતદાન નહીં કરાવવા બાબતે સહમત થઈ ગયા છે. અહેવાલ મુજબ ર૮થી ૩પ સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ શોન સ્પિશરે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપ્રમુખ સાથે વાસ્તવમાં કામ કર્યું છે. મને લાગે છે કે તેઓ સાંસદોને મતદાન માટે મજબૂર કરી નહિ શકે. સેનેટર માર્ક વોર્નરે જણાવ્યું હતું કે હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ટ્રમ્પ સરકારનું આ બિલ પસાર થઈ નહિ શકે.

આ અગાઉ પણ ટ્રમ્પ જણાવી ચૂક્યા છે કે હેલ્થ કેર બિલ પાસ નહિ થવા અંગે તેઓ ઓબામા કેરને ચાલુ રાખશે અને પ્રાથમિક બાબતો પર ખાસ ધ્યાન આપશે. પૂરું સમર્થન નહીં મળતાં આ બિલ પાસ થઈ શક્યું નથી. આ અંગે ટ્રમ્પે જણાવ્યું કે આ બિલ પસાર નહિ થવાથી હું ઘણો નિરાશ થયો છું, કારણ અમે આ બિલ પસાર કરાવવાની સ્થિતિએ પહોંચી ગયા હતા તેમ છતાં આ બિલ પસાર નહિ થતાં ઓબામા કેરનું મહત્ત્વ વધી ગયું છે. તેમણે આ બિલનો વિરોધ કરનારા સાંસદોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તેઓ આ બિલનો વિરોધ કરી ફસાઈ જશે.

http://sambhaavnews.com/

You might also like