ટ્રમ્પની પોલિસી પસંદ ન હોય તેવા અધિકારીઓને નોકરી છોડી દેવા આદેશ

વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસે અમેરિકન અધિકારીઓને ચીમકી આપતા સંદેશમાં જણાવ્યું છે કે જો તેમને ટ્રમ્પની પોલિસી પસંદ ન હોય તો તેઓ નોકરીમાંથી રાજીનામું આપી દે. તેમજ ટ્રમ્પના આદેશનો વિરોધ કરનારા અધિકારીઓને બરતરફ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

સેનેટની ફાઈનાન્શિયલ કમિટીના ડેમોક્રેટ સભ્યોએ ટ્રમ્પના બે પ્રધાનોની નિમણૂકનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ આરોગ્ય પ્રધાન ટોમ પ્રાઈસ અને નાણાંપ્રધાન સ્ટીફન મનૂશિનની નિમણૂકની પ્રક્રિયાને રોકી દીધી હતી. ડેમોક્રેટના સાંસદોએ જણાવ્યું હતું કે તેમને પ્રાઈસની હેલ્થ કંપનીના શેર અંગે પૂરતી વિગતો જોઈએ છે. સ્ટીફન સામે વનવેસ્ટ બેન્કમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે.અને તેથી તેમને આ અંગે સ્પષ્ટતા જોઈએ છે. બીજી તરફ ટ્રમ્પના તંત્રએ હવે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે અધિકારીઓ ટ્રમ્પના આદેશ સાથે સહમત નથી તેવા અધિકારીઓ રાજીનામું આપી જતા રહે.

આદેશનો વિરોધ કરવો અધિકારીઓને ભારે પડી ગયો
ટ્રમ્પે 7 મુસ્લિમ દેશના લોકોના વિઝા પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા બાદ જે અધિકારીઓએ આ આદેશનો વિરોધ કર્યો છે તેમની સામે કડક પગલા લેવા ટ્રમ્પે આદેશ આપ્યો છે. જેમાં યેટ્સને એટર્ની જનરલ પદેથી બરતરફ કરી દેવાયા છે. આદેશનો જે અધિકારીઓ વિરોધ કરશે તેમને નોકરી છોડી ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશનો વિરોધ કરનારા અધિકારીઓ સામે તવાઈ આવી શકે તેમ છે.
http://sambhaavnews.com/

You might also like