ટ્રમ્પ ધ નેશનાલિસ્ટ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લઈ લીધા છે. આ એ ટ્રમ્પ છે જેમણે ૧૯૭૧માં પિતા પાસેથી ૧૪ મિલિયન ડૉલર લઈને બિઝનેસ શરૂ કર્યો હતો. તેમના પિતા તેને લકી સન કહેતા હતા. ૧૯૯૦માં ટ્રમ્પ પર ૯૭.૫ કરોડ ડૉલરનું દેવું હતું. ધંધામાં નુકસાની જવાથી ૩ વાર દેવાળિયા થવા માટે અરજી કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અડધીપડધી વાતો કરવા માટે પંકાયેલા છે. એમની ટિપ્પણીઓ, ખાસ કરીને ગુસ્સામાં કરેલાં વિધાનો અસ્પષ્ટ હોય છે, તથ્યો સાથે એનો સંબંધ હોતો નથી અને તે તેમના મૂડ પ્રમાણે બદલાતાં રહે છે. ઉદાહરણ રૂપે, ચૂંટણી પહેલાં એક ન્યૂઝ ચેનલે તમારા સલાહકાર કોણ છે એવો સવાલ પૂછ્યો અને તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે હું બધું મારી રીતે જ બોલું છું. મારું મગજ સારું ચાલે છે. મારો પહેલો સલાહકાર હું છું. બે દિવસ પછી વોશિંગ્ટન પોસ્ટ અખબારને વિદેશી મામલે પોતાના પાંચ સલાહકારો અંગે ખુલાસો કરી દીધો. એટલે આવી અસ્પષ્ટતા અને વિરોધાભાસોને જોતાં પાક્કું કહી શકાતું નથી કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી તેની ભારત સહિત બાકી દુનિયા પર શું અસર થશે.

ટ્રમ્પે ભાષણોમાં જે વાતો કહી તેમાંથી ઘણાનો સાર એવો નીકળે છે કે ચીન અને યુરોપ દ્વારા ચતુરાઈપૂર્વક ફેલાવવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વેપારની જાળમાં અમેરિકા ફસાઈ ગયું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓએ અપનાવેલી ગોળમટોળ અપ્રવાસી નીતિઓનો દેશ શિકાર બની ગયો છે. અમેરિકા પોતાને બધાથી અલગ કરવાની કોશિશ કરશે. વોશિંગ્ટન પોસ્ટ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને ખબર છે કે એક દુનિયા બહારની છે પણ આખરે તમે તમારી વાત ક્યારે કરશો કે આપણે આપણો ખયાલ રાખવાનો છે.

ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય મામલે ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરશે એવું માની શકાય. પારકી પંચાત વ્હોરવાની અને પેટ ચોળીને શૂળ ઊભી કરવાની બુશ-ઓબામા નીતિ તેમને પસંદ નથી. અમેરિકા મધ્ય-પૂર્વ એશિયા કે અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાંથી સાવ હાથ ખેંચી લેશે તો અહીં આતંકવાદનો પ્રભાવ વધવાની આશંકા જન્મે છે. જોકે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે એટલે અમેરિકી સેનાનું અફઘાનિસ્તાનમાં રોકાણ જરૂરી છે.

અમેરિકામાં ઍવોર્ડ વાપસી સિઝન આવશે

બૌદ્ધિકો સરળ ઓછા અને બદમાશ વધુ હોય છે તે વધુ એક વાર સાબિત થવા જઈ રહ્યું છે. ભારતમાં મોદી સરકારને ઘણા બૌદ્ધિકો, કલારસિકોે ઍવોર્ડ પરત કરીને વિરોધ નોંધાવી ચૂક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં પણ આખા દેશમાં બૌદ્ધિકોએ અમને ટ્રમ્પ ન ખપે એવા મતલબનું આંદોલન છેડ્યું છે. વિવિધ ઍવોર્ડ વિજેતા બૌદ્ધિકો ટ્રમ્પના વિરોધમાં સભા-સરઘસો કાઢી રહ્યા છે. ટ્રમ્પે આ બૌદ્ધિકોની જમાતને રોકડું પરખાવ્યું હતું કે ચૂંટણી વખતે તમારે તમારા મતનો ઉપયોગ કરવો જોઈતો હતો. વાસ્તવમાં આ બોલકા બૌદ્ધિકોએ ટ્રમ્પ વિરુદ્ધ પોતાનો મત આપ્યો જ હતો. પણ આજે બહુમત ટ્રમ્પ સમર્થક લોકોના અવાજને અલ્પમત બૌદ્ધિક બદમાશો દાબવા મથી રહ્યા છે. એવું વાતાવરણ સર્જી રહ્યા છે કે જાણે આખું અમેરિકા ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાના વિરોધમાં એક થયું હોય. તો શું ટ્રમ્પને મળેલા મતો આકાશમાંથી ખર્યા હતા? હવે પછી ભારતની જેમ અમેરિકામાં પણ ઍવોર્ડ વાપસી સિઝન ચાલુ થાય તો નવાઈ ન પામતા.

ગ્લોબલાઇઝેશનની હવા નીકળી ગઈ

રિપબ્લિકન ડોનાલ્ડના ચિત્ર-વિચિત્ર વ્યવહાર અને ચૂંટણીના વાયદાઓ પછી પણ અમેરિકાના લોકોએ તેમને પસંદ કર્યા એ સાબિત કરે છે કે અમેરિકા જૂના ઉદારવાદી રસ્તાથી ખસી જવા માગે છે.  ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરવા સાથે જ ‘અમેરિકા ફર્સ્ટ’નો નારો આપ્યો. ટ્રમ્પે પહેલી સલાહ આપી કે અમેરિકામાં બનેલી વસ્તુઓ વાપરો, અમેરિકનોને નોકરીએ રાખો. મોદીએ મેક ઇન ઇન્ડિયા કેમ્પેન ચલાવી હતી. પુતિન રશિયાને અને રશિયનોને સંભાળવામાં પડ્યા છે. બ્રિટને બ્રિટિશરોનાં હિતોની રક્ષા કાજે યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડી નાખ્યો. છેલ્લાં બે વર્ષમાં યુરોપમાં સિરિયા અને ઇરાકમાંથી પ્રવાસીઓના આવવાથી બ્રિટનમાં રાષ્ટ્રવાદી ભાવનામાં ભરતી આવી છે. ઇયુનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે મધ્ય પૂર્વમાંથી આવતા આ લોકોના કારણે બ્રિટનમાં રોજગાર અને સંસ્કૃતિને ખતરો ઊભો થયો છે અને સાથે આતંકવાદનો ખતરો પણ પેદા થયો છે. ઇયુમાંથી બ્રિટન નીકળી જાય તો તેમને શરણ આપવાની ફરજ નહીં પડે. લેબર પાર્ટીની મહિલા સાંસદ કોક્સ બ્રિટનના ઇયુ સાથે જોડાઈ રહેવાની વકીલાત કરતી હતી ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હત્યારો ‘બ્રિટન ફર્સ્ટ… બ્રિટન ફર્સ્ટ’નાં સૂત્રો પોકારી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં નેધરલેન્ડ, જર્મની અને ફ્રાન્સમાં પણ ઇયુ વિરોધી હવા ઊઠી છે.

રશિયા, ભારત, ચીન, ફ્રાન્સ, બ્રિટન… બધાં રાષ્ટ્રવાદનું કીર્તન કરી રહ્યાં છે. ઉદારીકરણ, ગ્લોબલાઇઝેશનની આડઅસરથી દુનિયા ત્રસ્ત થઈ રહી છે અને તેમાંથી દુનિયા મુક્ત થવાના માર્ગે છે. દુનિયાનો સૌથી ઉદાર ગણાતો ેખમતીધર દેશ અમેરિકાને પણ ઉદારીકરણનો અપચો થઈ જતો હોય તો નાના દેશોની તો શી વલે થઈ હશે? પરદેશીઓ આવીને દેશની વ્યવસ્થા ખોરવી નાખે અને સ્વદેશીને જીવવું ભારે પડી જાય તો કોઈનાથીય કેમ સહન થાય? ટ્રમ્પ ઉદ્યોગપતિ છે, એણે દેશની બરાબર નાડ પારખી અને અમેરિકાએ હવે ઉદારીકરણનો અંચળો ફગાવ્યો છે તો દુનિયા પણ રાષ્ટ્રવાદને માર્ગે વળશે એમાં બે મત નથી. ટ્રમ્પ અનેક વાર પોતાનાં ભાષણોમાં ભારત સહિત ચીન, જાપાન અને મેક્સિકો પર અમેરિકી રોજગાર છીનવી લેવાનો આરોપ લગાવી ચૂક્યા છે. તે ચીનના માલ પર ૪૫ ટકા સુધીની ભારે બોર્ડર ડ્યૂટી લાદવા માગે છે અને ચીન સાથે નવેસરથી વેપારી શરતો લાદવા માગે છે.

ટીમ જોઈને લાગે છે કે ટ્રમ્પ જેવું કહેતાં હતા એમ જ કરશે

ટ્રમ્પે પોતાના ચૂંટણી સલાહકારોને બધું સોંપી દીધું છે. એટલે એવી આશંકા જન્મે છે કે ટ્રમ્પે જે પ્રચાર દરમિયાન કહ્યું હતું તે પ્રમાણે જ થશે. અત્યારે અમેરિકી મુસ્લિમ, હિસ્પેનિક, કાળા અને એલજીબીટી સમુદાયની સાથે અમેરિકામાં રહેતા અપ્રવાસી પણ ઘણા ગભરાયા છે. જોકે ૧૪ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા પછી ટ્રમ્પે સીબીએસ ન્યૂઝને પોતાના સ્વભાવની વિરુદ્ધ જઈને કહ્યું હતું કે અમેરિકાના લોકોએ મારાથી ગભરાવાની જરૂર નથી. હું આ દેશને એક કરવા જઈ રહ્યો છું. ટ્રમ્પે મુસ્લિમો, આફ્રિકનો અમેરિકનો અને લેટિન અમેરિકીઓ પર વધી રહેલા હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતા સાર્વજનિક રૂપે લોકોને આવું ન કરવા અપીલ પણ કરી હતી. ટ્રમ્પના વહેવારમાં આવેલા આ અચાનક પરિવર્તનથી અમેરિકામાં રહેતા મુસ્લિમો અને અપ્રવાસીઓને મોટી રાહત મળી. તેમને લાગ્યું કે ટ્રમ્પે જે કહ્યું હતું તે ચૂંટણી જીતવા, હવે એવું કંઈ નહીં થાય. જોકે, એના પાંચ દિવસ પછી જ ટ્રમ્પના કેટલાક નિર્ણયોએ લોકોની આ ગેરસમજ દૂર કરી દીધી. ૧૯ નવેમ્બરે ટ્રમ્પે મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર જાતિવાદી અને મુસ્લિમ વિરોધી વિચારો ધરાવતા લોકોને બેસાડી દીધા. જેમાં અલાબામાના સેનેટર જેફ સેશન્સને એટર્ની જનરલ, કેન્સાસના સાંસદ માઇક પોંપેયને સીઆઈએ પ્રમુખ અને રિટાયર્ડ જનરલ માઇકલ ફ્લિનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે બેસાડી દીધા. ચૂંટણીમાં ટ્રમ્પના સલાહકાર માઇકલ ફ્લિન અમેરિકામાં મુસ્લિમ વિરોધી વિચારો માટે જાણીતા છે. પ્રચાર દરમિયાન ફ્લિને ટ્વિટમાં આતંકવાદ માટે સીધી રીતે ઇસ્લામ ધર્મને જવાબદાર ગણાવ્યો હતો. ફ્લિને એક ટ્વિટમાં લખ્યું હતું કે ઇસ્લામમાં ઇબાદત કરવી એ જ સમસ્યાનું મૂળ છે અને આ ધર્મ એ કોઈ ધર્મ નથી પણ રાજનીતિક અને કટ્ટરપંથી વિચારધારા છે. તેઓએ પોતાના ટ્વિટમાં અમેરિકામાંથી મુસલમાનોને કાઢી મૂકવાની વાતનું સમર્થન કર્યું હતું. ફ્લિનને રશિયા તરફી માનવામાં આવે છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેના સંબંધોને પગલે ૨૦૧૪માં બરાક ઓબામાએ તેમને ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ચીફ પદેથી હટાવ્યા હતા. જાણકારોના મતે, માઇકલ ફ્લિનના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે. ફ્લિને ટ્રમ્પના મગજમાં એવું ઠસાવ્યું છે કે દુનિયા માટે સૌથી મોટો ખતરો આતંકવાદ છે અને એની સામે લડવા રશિયા સાથે પણ હાથ મેળવવામાં કંઈ ખોટું નથી.

જાતિવાદી જેફ સેશન્સ મહિલાઓ, સમલૈંગિકો અને પ્રવાસીઓ પ્રત્યે સખત વલણ માટે જાણીતા છે. સેનેટમાં હંમેશાં અપ્રવાસીઓ અને વિદેશી કર્મચારીઓને લઈને બેફામ બોલતાં સેશન્સે એવું કહ્યું હતું કે સેનેટમાં એવું બિલ લાવવામાં આવશે જેમાં વિઝા નિયમોને સખત બનાવવાનું પ્રાવધાન હશે અને કંપનીઓને પહેલાં અમેરિકીઓને નોકરી આપવાનું વચન આપવું પડશે. ચૂંટણી પ્રચાર વખતે અપ્રવાસીઓ સાથે જોડાયેલા વિષયો પર ટ્રમ્પે સેશન્સની સલાહ લઈને જ પ્રજાને વચનો આપ્યાં હતાં અને એ જ કારણે તેમણે સેશન્સને એટર્ની જનરલ બનાવ્યા છે.

ચીન, સિરિયા અને રશિયા સાથેના સંબંધોને લઈને ટ્રમ્પના વલણમાં ચૂંટણી પછી પણ કોઈ બદલાવ આવ્યો નથી. પ્રચાર દરમિયાન ટ્રમ્પે રશિયા સાથે મિત્રતા અને ચીનને બોધપાઠ શિખવવાની વકીલાત કરી હતી. ચૂંટણી પછી તાઇવાનના વડા પ્રધાન સાથે પ્રોટોકૉલ તોડીને વાત કરવી, ચીનને નીતિઓ બદલવા ચેતવણી આપવી અને રશિયા ઉપરના પ્રતિબંધો હટાવવા અંગેનાં નિવેદનો એ વાતનો સંકેત આપે છે કે ટ્રમ્પ પોતાના જૂના વલણમાંથી પલટી મારવાના નથી.

ટ્રમ્પે તેલના એક સૌથી મોટા વ્યવસાયિક રેક્સ ટિલરસનને અમેરિકાના નવા વિદેશમંત્રી બનાવી દીધા છે. ટિલરસન પુતિનના નજીકના ગણાય છે. ૨૦૧૪માં ક્રિમિયાને યુક્રેનથી અલગ કરવા અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા ત્યારે આ નિર્ણયનો સૌથી વધુ વિરોધ ટિલરસને કર્યો હતો.

ટ્રમ્પે માઇક પોંપેયને સીઆઈએ પ્રમુખ અને પૂર્વ કમાન્ડર જેમ્સ મૈટિસને સંરક્ષણ મંત્રી બનાવીને ઘણી બાબતો સ્પષ્ટ કરી છે. આ બંને ઓબામાની મધ્ય-પૂર્વ નીતિ, ખાસ કરીને ઇરાન સંબંધિત નીતિના કડક ટીકાકાર રહ્યા છે. મૈટિસ અને પોંપેય બંનેએ જુલાઈ ૨૦૧૫માં વર્ષોની મહેનતને અંતે થયેલી ઇરાન પરમાણુ સમજૂતીનો વિરોધ કર્યો હતો. ઇરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાનું નેતૃત્વ કરી ચૂકેલા મૈટિસ મધ્ય-પૂર્વની સ્થિરતા અને શાંતિ માટે આઇએસ અને અલ-કાયદા તરફથી ઇરાનને મોટો ખતરો છે એવું માનતા હતા.

અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂરું કરીને મૈટિસ ઇરાન ઉપર પણ હુમલો કરવા માગતા હતા અને એ માટે ઓબામા સરકાર પર દબાણ લાવતા હતા. કહેવાય છે કે એ જ કારણે ઓબામાએ તેમને મરીનના જનરલ પદેથી હટાવ્યા હતા. ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પે ઇરાન સાથેની પરમાણુ સમજૂતીને નબળી ગણાવીને રદ કરવાની વાત પણ કરી હતી. એવામાં મૈટિસની પસંદગી ઇરાન માટે સખત નીતિના સંકેત રૂપે જોવાઈ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિપદના શપથ લીધા પછી તુરંત ઓબામા કેર(એફોર્ડેબલ કેર એક્ટ)ને કચરાપેટીમાં નાખવાના આદેશ પર સહી કરી દીધી છે. પ્રચાર દરમિયાન ટ્રમ્પે ઓબામા કેરને રદ કરવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પના મતે ઓબામા કેરના કારણે સરકારને મોટો આર્થિક બોજો સહન કરવો પડે છે. અલબત્ત, ટ્રમ્પે તેના સ્થાને બીજી વ્યવસ્થા લાવવાની વાત પણ કરી છે. આરોગ્ય સેવા સંબંધિત આ કાનૂન સાત વર્ષ પહેલાં લાગુ પાડવામાં આવ્યો હતો.  જેમાં આશરે બે કરોડ અમેરિકી નાગરિકોને આરોગ્ય વીમા હેઠળ લાવવામાં આવ્યા હતા.

હોલિવૂડ નટી મેરીલ સ્ટ્રીપે ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ સમારોહમાં ઍવોર્ડ સ્વીકારતી વખતે પાંચ મિનિટનું વક્તવ્ય આપ્યું હતું એમાં ક્યાંય ટ્રમ્પનું નામ નહોતું લીધું.

ભારત માટે કેટલા ફાયદાકારક?

ડોનાલ્ડ ટ્રમ્પ રિયલ એસ્ટેટ કારોબારી છે. પૂનામાં પંચશીલ રિયલ્ટી સાથે અને બીજો મુંબઈમાં લોઢા ગ્રૂપ સાથે એમ ભારતમાં તેમના બે સુપર લક્ઝરી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ટ્રિબેકા ડેવલપર્સ ભારતમાં ટ્રમ્પનો કારોબાર સંભાળે છે. આ ફર્મ પ્રમાણે, ટ્રમ્પ અને તેનો પુત્ર ભારતમાં ઘણી વેપારી સંભાવનાઓ જુએ છે અને બીજાં શહેરોમાં પણ પ્રોજેક્ટો ચાલુ કરવા માગે છે.

કટ્ટર ચીનવિરોધી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તેથી બંને દેશો વચ્ચે સંબંધો ઝડપથી બગડી શકે છે. દક્ષિણ ચીની સમુદ્ર મામલે અમેરિકા અને ચીન વચ્ચે સૈન્ય તણાવ વધશે તો તેનાથી એશિયા-પ્રશાંતના દેશો સહિત ભારત પણ અસ્પૃશ્ય નહીં રહે.

ટ્રમ્પે કહ્યું હતું કે, “પાકિસ્તાન અસ્થિર થાય તો અમેરિકાએ ભારતને સાથ આપવો પડશે. પાકિસ્તાનને અંકુશમાં રાખવાનું કામ ભારત કરી શકે છે. ભારત પાસે પણ પરમાણુ હથિયાર છે અને ઘણી તાકાતવાળી સેના છે.”

વિદેશી બુદ્ધિધનને અમેરિકામાં રહેવા માટે એચ-૧બી વિઝા અંગે ટ્રમ્પના વિચારો ઘણા ગૂંચવાડો પેદા કરે છે. તેની વેબસાઇટ કહે છે કે તે આવા વિઝાના વિરોધમાં છે. પણ, ટ્રમ્પ ભાષણોમાં કહે છે કે હું આ વિષયમાં મારી સ્થિતિમાં થોડી ફ્લેક્સિબિલિટી લાવી રહ્યો છું, કારણ કે દેશમાં પ્રતિભાવાન લોકોની જરૂર તો રહેશે જ. શક્ય છે કે ટ્રમ્પની આ ફ્લેક્સિબિલિટી પાછળ ભારતીય-અમેરિકી સમુદાયની વોટબેંક કામ કરતી હોય. પણ, તેની વિદેશનીતિના મુખ્ય સલાહકાર સેનેટર જેફ સેજિયંસ એચ-૧બી વિઝાના સખત વિરોધી છે. એટલે ભારતીય સોફ્ટવેર કંપનીઓની તકલીફ વધી શકે છે, કેમ કે એ જ એચ-૧બી વિઝા માટે સૌથી વધુ અરજી કરે છે. જોકે આ મુદ્દે સિખ અમેરિકન ફોર ટ્રમ્પ કેંપેન ચલાવનાર જસદીપ સિંહ કહે છે કે હું ખાતરી આપુ છું કે ટ્રમ્પ ભારત માટે અત્યાર સુધીના સૌથી સારા રાષ્ટ્રપતિ સાબિત થશે. અમેરિકામાં જે ઇન્ડિયન ટેલન્ટ છે તેમને ઘબરાવાની જરુર નથી. ટ્રમ્પ અને મોદી બંને રાષ્ટ્રવાદી છે અને ખુલ્લા દિલના છે, બંનેની કેમિસ્ટ્રી બહુ સારી રહેશે. જીત્યા પછી ટ્રમ્પે બહુ ઓછા નેતાઓ સાથે વિસ્તારથી વાત કરી છે. મોદી તેમાં શામેલ છે.
ત્રણ ઘટનાઓ દુનિયાને નવેસરથી ઘડશે
ત્રણ ઘટનાઓ દુનિયાને નવું સ્વરૂપ આપશે. જેમાં એક છે- બ્રિટનનો જનમત સંગ્રહ. બ્રિટનની જનતાએ નિર્ણય લીધો કે યુરોપિય સંઘ સાથે નથી રહેવું. ગત ૨૩ જૂને બ્રિટનની ૫૨ ટકા પ્રજાએ બ્રિટનના ઇયુથી અલગ થવા પર મહોર મારી અને કલાકોમાં જ બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરુને રાજીનામું આપવું પડ્યું. બ્રિટનમાં ઇયુમાંથી હટી જવાના નિર્ણયની આખી દુનિયા પર સ્વાભાવિક અસર પડશે. લિસ્બન સંધિની કલમ ૫૦ હેઠળ ઇયુથી અલગ થવામાં બ્રિટનને હજુ બે વર્ષ લાગશે. અમેરિકા અને ફ્રાન્સ બાદ ભારત બ્રિટનમાં ત્રીજા નંબરનો સૌથી મોટો રોકાણકાર દેશ છે. આશરે ૮૦૦ ભારતીય કંપનીઓ બ્રિટનમાં કામ કરી રહી છે અને બ્રિટનમાંથી જ વિનાવિઘ્ને આખા યુરોપમાં કારોબાર કરી લે છે.

બીજી ઘટના છે- ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું છે. ટ્રમ્પના શાસનમાં અમેરિકા અને  સમગ્ર દુનિયાના માહોલમાં ઘણો બદલાવ આવશે એ નિશ્ચિત વાત છે.

ત્રીજી ઘટના છે અલેપ્પોનું સિરિયા સરકારના કબજામાં આવવું.  ચાર વર્ષથી વિદ્રોહીઓના કબજામાં રહેલા અલેપ્પો શહેર પર સિરિયા સરકારે કબજો મેળવી લીધો છે. ૨૩ લાખની વસતી ધરાવતા પૂર્વી અલેપ્પો પર સિરિયાની અસદ સરકારે રશિયા અને ઇરાનની મદદથી પાછું નિયંત્રણ મેળવી લીધું છે. સિરિયામાં એક પછી એક હોમ્સ, હામા, દમિશ્ક, લતાકિયા અને હવે અલેપ્પો જેવાં મોટાં શહેરો પર સરકારના કબજાથી લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ત્યાં આઈએસ અને અલ-કાયદા વધુ નહીં ટકે. અહીં પતન બાદ આતંકવાદથી મધ્ય પૂર્વથી લઈને અમેરિકા અને યુરોપ કેવી રીતે પ્રભાવિત થશે તે જોવું રહ્યું. અલેપ્પોની જીત વિશ્વની રાજનીતિને બદલવા જઈ રહી છે. વાસ્તવમાં સિરિયામાં અસદની જીતને અમેરિકા, ઇઝરાયેલ અને સાઉદી અરબની મોટી હાર તરીકે જોવામાં આવે છે. સિરિયા પહેલાં અમેરિકાએ જ્યાં દખલગીરી કરી ત્યાં તખ્તો પલટી નાખ્યો. લીબિયા, ટ્યુનિશિયા, યુગોસ્લાવિયા, ઇરાક અને અફઘાનિસ્તાન એનાં ઉદાહરણો છે. પણ સિરિયામાં લાખ કોશિશ કરવા છતાં અમેરિકાને એમ કરવામાં સફળતા ન મળી.
ભારત માટે સારું-માઠું
ટ્રમ્પે ચૂંટણી ભાષણોમાં પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સેફ હેવન અને ચીનને ચલણનો મેન્યુપલેટર જાહેર કરવાની વાત કરી હતી. પહેલાં પણ તે આતંકવાદ મુદ્દે ભારતને સહયોગ આપવાની વાત કરી ચૂક્યા છે. વિશેષજ્ઞો માને છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારત ને અમેરિકા વચ્ચે ડિફેન્સ અને વેપારી સંબંધો સારા થશે.

અમેરિકાની વેપારનીતિમાં પહેલાં માત્ર અમેરિકા હશે અને તે બધી વેપારી સમજૂતીઓને નવીન રીતે લાગુ કરવા માગે છે, ભારત સાથે પણ એમ થશે.

ટ્રમ્પ એચ-૧બી વિઝા પ્રોગ્રામના વિરોધી છે અને તેને બંધ કરવા માગે છે. એનું વધુ નુકસાન ભારતીય આઈટી કંપનીઓને થશે.

ટ્રમ્પ એક બાજુ ભારતનાં વખાણ કરે છે અને બીજી બાજુ આરોપ મૂકે છે કે ભારત અને ચીન અમેરિકાની નોકરીઓ છીનવી રહ્યું છે અને પોતે અમેરિકનોને નોકરીઓ પાછી અપાવશે. મતલબ પ્રવાસીઓ માટે આકરા કાયદા લાવશે.

ચીનના વધી રહેલા વર્ચસ્વ પર ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. તે માને છે કે ચીનનું અચાનક ઝડપથી આગળ આવવું દુનિયા માટે ખતરનાક છે એટલે તેના પર અંકુશો મૂકવામાં આવશે. આ વાત પણ ભારત માટે રાહતરુપ થશે.

ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો રાખવા માંગે છે. ટ્રમ્પે અનેકવાર મોદીના વખાણ કર્યા છે. એટલું જ નહી મોદીને પગલે તેમણે પોતાનું સુત્ર અબકી બાર ટ્રંપ સરકાર આપ્યુ હતું.

You might also like