ટ્રમ્પે શાસન ધુરા સંભાળતાં શેરબજાર, બુલિયન, રૂપિયો, ક્રૂડ ‘વાઈબ્રન્ટ મોડ’માં

અમદાવાદ: ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે શાસન ધુરા સંભાળી છે. શરૂઆતના ૧૦૦ દિવસ સ્થાનિક સહિત વૈશ્વિક બજારો માટે મહત્ત્વના સાબિત થઇ શકે છે. મોટા ભાગના નિષ્ણાતો એવું માની રહ્યા છે કે અમેરિકા વેપાર નીતિમાં મોટો બદલાવ કરી શકે છે. જેની અસર ગઇ કાલે શપથ લેવા પૂર્વે શેરબજારમાં પણ જોવા મળી હતી.

શેરબજારઃ ગઇ કાલે સ્થાનિક શેરબજાર છેલ્લે ઘટાડે બંધ થયું હતું અને નિફ્ટી ૮,૩૫૦ની નીચે ૮,૩૪૯ની સપાટીએ બંધ જોવાઇ હતી. વૈશ્વિક શેરબજારોમાં પણ અનિશ્ચિતતાભર્યાે માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આઈટી અને ફાર્મા કંપની માટે આગામી સમય મહત્ત્વનો સાબિત થશે.

સોનુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાજદર વધારવાના સમર્થક છે અને તેના પગલે ટૂંકા ગાળા માટે બુલિયન બજારમાં પણ તેજીની ચાલ જોવાઇ શકે છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૦૦ ડોલરની ઉપર ૧૨૧૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં ૩૦,૦૦૦ની આસપાસ પહોંચી ગયું છે. સેન્ટિમેન્ટ જોતાં આગામી દિવસોમાં સોનામાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે.

રૂપિયોઃ આગામી દિવસોમાં ડોલરમાં વધુ મજબૂત ચાલ નોંધાઇ શકે છે. ગઇ કાલે દિવસના અંતે છેલ્લે રૂપિયો ૬૮.૧૮ની સપાટીએ બંધ જોવાયો હતો. છેલ્લા કેટલાય સમયથી રૂપિયામાં ઘટાડાે નોંધાયો છે. ફોરેક્સ બજારના જાણકારોના કહેવા પ્રમાણે રૂપિયામાં વધુ ઘટાડો જોવાય.

ક્રૂડઃ ઓપેક અને નોનઓપેક દેશોએ ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ૫૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૫૫ ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું. પાછલા થોડા દિવસથી બ્રેન્ટ ક્રૂડ ૫૪ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવાયું છે. અમેરિકાની રશિયા સાથેની વધતી મિત્રતા ક્રૂડના ભાવને સપોર્ટ કરી શકે છે. આગામી ૪થી ૬ માસમાં ક્રૂડ ૫૫થી વધીને ૬૦ ડોલરની સપાટીએ પહોંચે તેવી ધારણા છે.
http://sambhaavnews.com/

You might also like