ડોન રવિ પૂજારી સામે વધુ એક ખંડણીની ફરિયાદ

728_90

અમદાવાદ: કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીનાં નામે વધુ એક બિલ્ડરને ખંડણી મળ્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં નોંધાઈ છે. અગાઉ પાલડીમાં રહેતાં અને આણંદમાં રહેતા બિલ્ડરને પણ ડોન રવિ પૂજારીના નામે કરોડોની ખંડણીનાં ફોન ગયાં હતાં અને તે બાબતે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. નવાઈની વાત એ છે કે જેટલાં વ્યક્તિને ફોન ગયાં છે તેઓ અંદર અંદર સંબંધી જ હોવાનું બહાર આવ્યું છે. જેથી ક્રાઈમ બ્રાંચે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી મળતી માહિતી સોસાયટીમાં રિમ્પલ હર્ષદભાઈ પટેલ (ઊં.વ. ૩૬) રહે છે. રિમ્પલભાઈ બિલ્ડર અને ડાયમંડનાં વેપારી છે. ગત ૨૭ ડિસેમ્બર ૨૦૧૫નાં રોજ રિમ્પલભાઈને ફોન આવ્યો હતો અને તેઓનાં વ્યવસાય વિશે પૂછી અને રવિ પૂજારીનાં નામે રૂ. પાંચ કરોડની ખંડણીની માંગ કરી હતી તેથી રિમ્પલભાઈએ પૈસા ન હોવાનું કહી ફોન કટ કરી નાખ્યો હતો બાદમાં ૧૯મી જાન્યુઆરી ૨૦૧૬નાં રોજ ફરી તેમના પર ફોન આવ્યો હતો અને તેમના પિતાનાં નામ લઈ વાત કરવાનું કહ્યું હતું.

બાદમાં એ જ દિવસે વારંવાર રવિ પૂજારી બોલું છું પૈસા આપવા જ પડશે નહી તો તારા ફેમિલીને મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેથી રિમ્પલ ભાઈએ આ અંગે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરી હતી.

અગાઉ પાલડીમાં જ રહેતા બિલ્ડર પરેશ પટેલને ગત ડિસેમ્બર ૨૦૧૫માં જ ડોન રવિ પૂજારીનાં નામે વિદેશનાં નંબરોથી ફોન કરી કરોડોની ખંડણીની માંગ કરી હતી. ઉપરાંત આણંદમાં રહેતાં અને પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતાં અરવિંદ પટેલને પણ ડોન રવિ પૂજારીનાં નામે ૨૫ કરોડ જેટલી ખંડણી માટે ફોન આવ્યો હતો.

પોલીસ તપાસમાં ડોન રવિ પૂજારીનાં નામે ખંડણી અંગેનાં જેટલા ફોન ગયાં છે તે દરેક એકબીજાનાં સંબંધી હોવાનું બહાર આવ્યું છે. જેથી કોઈ વ્યક્તિ આ ફેમિલીને ડોન રવિ પૂજારીના નામે ફોન કરી ટાર્ગેટ બનાવે છે. કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત અનેક મોટા બિલ્ડરોની વિગતો પણ ડોન રવિ પૂજારી પાસે હોવાનું જાણવા મળ્યું છે. રવિ પૂજારી દ્વારા બિલ્ડર અને તેના પરિવારને જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ નોંધાતા હવે બિલ્ડરો પણ પ્રોટેકશન માગે તો નવાઈ નહીં.

You might also like
728_90