ડોન રવિ પૂજારીના નામે ખંડણીનો મામલો પાલડીના બંને બિલ્ડરોને પોલીસ પ્રોટેકશન અપાશે

અમદાવાદ: કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના નામે કરોડો રૂપિયાની ખંડણી માગવા અંગેની વધુ એક ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. પાલડીમાં રહેતા બિલ્ડર અને ડાયમંડના વેપારી પાસે રૂ.પાંચ કરોડની ખંડણી મંગાઈ છે. અગાઉ બે બિલ્ડરને પણ ધમકી મળતાં ત્રણેય બિલ્ડર અને તેમના પરિવારને પોલીસ પ્રોટેકશન આપવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિસેમ્બર ૨૦૧૫માં પાલડીના બિલ્ડર પરેશ પટેલને વિદેશના નંબર પરથી ડોન રવિ પૂજારીના નામે કરોડોની ખંડણી માટે ફોન અને મેસેજ આવ્યા હતા. આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. બાદમાં ડોન રવિ પૂજારીના નામે આણંદના બિલ્ડર અરવિંદ પટેલને પણ ખંડણી અંગેનો ફોન આવ્યો હતો.

જે અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાતાં ફરી એક વાર શહેરના પાલડીમાં જ રહેતા બિલ્ડર રીમ્પલ પટેલને ડોન રવિ પૂજારીના નામે ધમકી મળતાં તેઓએ પણ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આ ત્રણેય બિલ્ડરો એકબીજાના સગાં-સંબંધી જ છે. હાલમાં પોલીસ દ્વારા ત્રણેયના પરિવારને પોલીસ પ્રોટેકશન આપવામાં આવશે.

સાયબર ક્રાઈમ એસીપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પરેશ પટેલને ધમકી મળતાં તેમને પોલીસ પ્રોટેકશન અપાયું છે. આણંદમાં રહેતા બિલ્ડરને આણંદ પોલીસ દ્વારા પોલીસ પ્રોટેકશન અપાશે. બીજી તરફ રીમ્પલ પટેલને ધમકી મળતાં તેઓને પોલીસ પ્રોટેકશન આપવામાં આવી શકે છે.

You might also like