ચીનના સ્ટીલના ડમ્પિંગના કારણે સ્થાનિક સ્ટીલ કારોબાર ૫૦ ટકા ઘટ્યો

મુંબઇ: દેશમાં ચીનમાંથી સસ્તું સ્ટીલ મોટા પ્રમાણમાં આયાત થઇ રહ્યું છે અને તેના કારણે સ્થાનિક સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. પાછલા એક વર્ષમાં સ્ટીલ કારોબારીઓના કારોબારમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક સ્ટીલ સેક્ટરના જાણકારોનું કહેવું છે કે જો દેશમાં ઇકોનોમીમાં રિકવરી જોવા ના મળે તો આગામી બે ત્રિમાસિક સમયગાળામાં આ સેક્ટરમાં ગ્રોથ જોવાવાની શક્યતા ખૂબ જ ઓછી છે. સ્ટીલ સેકટરમાં લોન ડિફોલ્ટરના કેસ પણ વધવાની શક્યતા છે.

દરમિયાન સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની આર્થિક હાલતમાં સુધારો લાવવા માટે સરકારે સ્ટીલ પરની ૨૦ ટકા સેફગાર્ડ ડ્યૂટીને માર્ચ ૨૦૧૮ સુધી વધારી દીધી છે. જાણકારોનું માનવું છે કે સેફગાર્ડ ડ્યૂટીના કારણે આગામી દિવસોમાં સ્ટીલ સેક્ટરમાં તેની સકારાત્મક અસર જોવાઇ શકે છે.

ઇન્ડિયન સ્ટીલ એસોસિયેશનના કહેવા પ્રમાણે ચીન ભારતમાં સસ્તું સ્ટીલ વેચી રહ્યું છે, જે ભારતમાં બનેલા સ્ટીલ કરતાં પણ ઓછી કિંમતે ડમ્પિંગ કરી રહ્યું છે. તેનાથી દેશના સ્ટીલ કારોબારને કમરતોડ ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટીલ કંપનીઓ ઉપર એક અંદાજ મુજબ ચાર લાખ કરોડનો આર્થિક બોજ છે.

You might also like