સ્થાનિક બજારમાં સોનું ૩૦,૦૦૦ની સપાટીને પાર

અમદાવાદ: સોનામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં સોનાએ આજે શરૂઆતે ૩૦ હજારની સપાટી પાર કરી ૩૦,૨૦૦ની સપાટીએ જોવાઇ છે. વૈશ્વિક બજારમાં પણ સોનામાં ઉછાળો નોંધાયો છે અને ૧૩૦૦ ડોલરની નજીક ૧૨૭૬ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં અખાત્રીજ આવી રહી છે. ત્યારે સ્થાનિક બજારમાં સોના ચાંદીની ઊંચી માગ રહેવાની શક્યતાઓ પાછળ સોના ચાંદીમાં ભાવ ધીમે પણ મજબૂત વધી રહ્યા છે. દરમિયાન બેન્ક ઓફ જાપાને પોલિસી જાહેર કરતાંની સાથે વૈશ્વિક બજારમાં સોનું મહત્ત્વની ૧૨૭૫ ડોલરની સપાટી વટાવી ૧૨૭૬ ડોલરની સપાટીએ જોવા મળ્યું છે. ફેડરલ રિઝર્વે હાલ વ્યાજના દરમાં કોઈ વધારો નહીં કરે તેવી શક્યતાઓ પાછળ પણ વૈશ્વિક સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે.

ચાંદી પણ સ્થાનિક બજારમાં આજે શરૂઆતે ૪૧૦૦૦ની સપાટીએ જોવા મળી છે. વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ જોતાં સોના અને ચાંદીમાં આગેકૂચ જારી રહે તેવી શક્યતા વધુ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનાના વૈશ્વિક ભાવમાં ૧૭ ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો હતો.

You might also like