ગરમીમાં પણ સ્થાનિક બજારમાં વિવિધ ફળોના ભાવ ઠંડા ઠંડા

અમદાવાદ: શહેરમાં ગરમીનો પારો ધીમે ધીમે ઊંચે જઇ રહ્યો છે ત્યારે સામાન્ય રીતે શાકભાજીના ભાવ ઊંચે જતા જ હોય છે તેમ આ વખતે પણ વિવિધ શાકભાજીના ભાવ ૪૦થી ૧૦૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગયા છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે શહેરમાં વિવિધ ફળોના ભાવ નીચે જોવા મળી રહ્યા છે.

શહેરની આજુબાજુના પ્રદેશમાંથી આવતી ટેટીની ઊંચી આવકને પગલે સ્થાનિક બજારમાં ૩૦ રૂપિયે પ્રતિકિલોના ભાવે જોવા મળી રહી છે, જ્યારે કર્ણાટક અને મહારાષ્ટ્ર બાજુથી તરબૂચની ઊંચી આવકને પગલે સ્થાનિક બજારમાં રૂ. ૨૦થી ૨૫ પ્રતિકિલોની સપાટીએ તરબૂચ જોવા મળી રહ્યા છે.

એ જ પ્રમાણે ધોળકા, વલસાડ તથા તેની આજુબાજુના પ્રદેશમાંથી ચીકુની આવકમાં ઊછાળો નોંધાતાં ચીકુના ભાવ હાલ સ્થાનિક બજારમાં ૩૦થી ૫૦ રૂપિયા પ્રતિકિલોની સપાટીએ ભાવ પહોંચેલા જોવા મળે છે, જ્યારે મહારાષ્ટ્રના રત્નાગીરી, નાસિક બાજુથી દ્રાક્ષની વધતી આવકને લઇને સ્થાનિક બજારમાં દ્રાક્ષના ભાવ પણ પ્રતિકિલોએ રૂ. ૪૦થી ૫૦ની સપાટીએ ભાવ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

સ્થાનિક ફ્રૂટ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા હોવાના કારણે પાછલાં વર્ષોની સરખામણીમાં આ વર્ષે ફ્રૂટની આવક ઊંચી જોવા મળી રહી છે
અને સ્થાનિક બજારમાં તેના ભાવ ગગડ્યા છે.

You might also like