સપ્તાહમાં રૂપિયો ૨૪ પૈસા મજબૂતઃ નિકાસકારો ચિંતામાં

અમદાવાદ: રૂપિયો ગઇ કાલે છેલ્લે ૬૩.૭૮ની સપાટીએ બંધ જોવાયો હતો. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૨૪ પૈસા મજબૂત થયો છે. પાછલા સપ્તાહે ડોલર સામે રૂપિયો છેલ્લે ૬૪.૦૨ની સપાટીએ બંધ આવોય છે. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિશ્વની અગ્રણી દેશોની કરન્સી સામે ડોલરમાં નોંધાયેલી નરમાઇના પગલે રૂપિયામાં મજબૂતાઇની ચાલ જોવા મળી છે.

શક્તિશાળી વાવાઝોડું હરિકેન ઇરમા અમેરિકામાં મોટા પ્રમાણમાં તારાજી સર્જી શકે છે તેવી ચેતવણી બાદ ડોલર તળિયે આવી ગયો હતો, જે વર્ષ ૨૦૧૫ બાદ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ વાવાઝોડું અમેરિકા તરફ આગળ ધપી રહ્યું છે. એ જ પ્રમાણે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ચાલુ વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન વધારતાં યુરો મજબૂત થયો છે.

દરમિયાન સ્થાનિક બજારમાં બેન્કો અને નિકાસકાર દ્વારા ડોલરમાં વેચવાલીની અસરથી રૂપિયાને સપોર્ટ મળ્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે દેશમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડી રહ્યો છે તેની અસરથી રૂપિયામાં મજબૂત ચાલ નોંધાઇ છે, જોકે રૂપિયો આ સપાટીથી વધુ મજબૂત જોવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

સોનું ચાલુ વર્ષની સૌથી ઊંચી સપાટીએ
વૈશ્વિક બજારમાં સોનાએ ૧૩૫૦ ડોલરની સપાટી ક્રોસ કરી દીધી છે. અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સોનામાં સુધારાની ચાલ નોંધાઇ છે. સ્થાનિક બજારમાં સોનું વર્ષની સૌથી ઊંચી ૩૧૦૦૦ની સપાટીએ પહોંચી ગયું છે. સપ્તાહ દરમિયાન સોનામાં રૂ. ૫૦૦નો ઉછાળો નોંધાયો છે. એ જ પ્રમાણે ચાંદીમાં પણ રૂ. ૫૦૦નો ઉછાળો નોંધાઈ ૪૧,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે.

You might also like