ડોલર સામે રૂપિયો તળિયે, ઐતિહાસિક નીચી સપાટીએ જોવા મળ્યો

અમદાવાદ: આજે શરૂઆતે ડોલર સામે રૂપિયાે ઝડપથી સરકી ૬૯ની સપાટી ક્રોસ કરી ગયો હતો. રૂપિયો ૨૮ પૈસાના ઘટાડે ૬૮.૮૯ના મથાળે શરૂઆતે ખૂલ્યો હતો, જોકે ડોલરમાં જોવા મળેલી મજબૂતાઇના પગલે તથા ઓઇલ કંપનીઓ અને આયતકારો દ્વારા ડોલરની ખરીદીના વધતા આકર્ષણના પગલે રૂપિયો ઝડપથી તૂટ્યો હતો.

ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ડોલર સામે રૂપિયો એક તબક્કે શરૂઆતે ૬૯ની સપાટી ક્રોસ કરી ૪૫ પૈસાના ઘટાડે રૂ. ૬૯.૦૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. એક તબક્કે શરૂઆતે ૬૯.૧૦ની ઐતિહાસિક નીચી સપાટીએ રૂપિયો પહોંચેલો જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં જોવા મળેલો ઉછાળો તથા ડોલરની મજબૂતાઇના પગલે દુનિયાના અગ્રણી દેશોની કરન્સીમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. ડોલરની મજબૂતાઇના પગલે ચાઇનીઝ યુઆન કરન્સીમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે.

નોંધનીય છે કે ચાલુ વર્ષે ડોલર સામે રૂપિયો આઠ ટકાથી પણ વધુ તૂટી ચૂક્યો છે. ચાલુ સપ્તાહમાં રૂપિયામાં સતત ઘટાડાની ચાલ જોવા મળી હતી. એક સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૧.૨૨ પૈસા તૂટ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દેશમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાઇ રહ્યું છે તથા નિકાસમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ પાછળ પણ રૂપિયામાં નરમાઇની ચાલ જોવા મળી હતી.

સેન્ટિમેન્ટ જોતાં ચાલુ કેલેન્ડર વર્ષમાં રૂપિયો ૭૦ની સપાટીએ પહોંચે તેવી સંભાવના બજારના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે. દરમિયાન રૂપિયામાં ઘટાડાના પગલે ક્રૂડ, સોનું-ચાંદી સહિત ઇલેક્ટ્રોનિકની તમામ ચીજવસ્તુઓ મોંઘી થવાની ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

You might also like