ડોલર આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવાયો

અમદાવાદ: ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૬.૮૯ની સપાટીએ બંધ જોવાયો હતો. એક સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૧૯ પૈસા નબળો પડ્યો છે. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી છે. તે પૂર્વે ડોલરમાં વધુ મજબૂતાઇ જોવા મળી શકે છે, જેના પગલે રૂપિયામાં તેની સીધી નરમાઇની અસર જોવાઇ શકે છે.

દરમિયાન એક વર્ષમાં ડોલર સામે રૂપિયો ત્રણ ટકા તૂટ્યો છે. રૂપિયામાં જોવા મળેલી નરમાઇના પગલે આયાતકાર વધુ મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે પાછલા વર્ષે રૂપિયો ૬૫.૧૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે ડોલર સામે રૂપિયો ૬૬.૫૦થી ૬૭ની રેન્જમાં ટ્રેડિંગમાં જોવાઇ શકે છે.

વૈશ્વિક બજારમાં ડોલર આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સ ૯૮.૬૩ના સ્તરે પહોંચી ગયો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહ બાદ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયેલો જોવા મળ્યો છે તો બીજી બાજુ ડોલરની સામે યુરો માર્ચ બાદ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયેલ જોવા મળ્યો છે. ફોરેક્સ બજારના જાણકારો એવું માને છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના અંતમાં ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવના વધી ગઇ છે.

You might also like