ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા મજબૂત ૬૭.૮૫ની સપાટીએ ખૂલ્યો

અમદાવાદ: આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો મજબૂત ખૂલ્યો હતો. રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો નોંધાયો હતો. શરૂઆતે ૬૭.૮૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. દરમિયાન ગઇ કાલે પણ ડોલરની સામે રૂપિયામાં નવ પૈસાની મજબૂતાઇ નોંધાઇ હતી. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલર ઇન્ડેક્સમાં આવેલી નરમાઇના પગલે રૂપિયામાં મજબૂતાઇની ચાલ નોંધાતી જોવા મળી હતી. ડોલર ઇન્ડેક્સ ૧૪ વર્ષના ઉપલા સ્તરેથી ૧૦૩.૮૨ની સપાટીથી નીચે આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચૂંટણી બાદ ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી, પરંતુ હવે ડોલરમાં આવેલી નરમાઇના કારણે રૂપિયામાં મજબૂતાઇની ચાલ નોંધાતી જોવા મળી છે, જોકે ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટૂંકા સમયગાળા માટે ડોલર ઇન્ડેક્સમાં ભલે નરમાઇ જોવા મળી હોય, પરંતુ મધ્યમથી લાંબા સમયગાળા માટે ડોલર ઇન્ડેક્સમાં તેજીનું સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે એટલું જ નહીં, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધારો કરવામાં આવે તો ડોલરની તેજીને વધુ સપોર્ટ મળી શકે છે.
http://sambhaavnews.com/

You might also like