છ મહિનામાં સોના-ચાંદી અને શેર બજાર કરતાં ડોલરમાં રિટર્ન બમણું

ડોલર સામે રૂપિયામાં છેલ્લા કેટલાક સમયથી તોફાની ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના પગલે ડોલરમાં રોકાણકારોને ચાંદી થઇ છે. છ મહિનામાં ડોલરમાં રોકાણ કરનારાઓને ૭.ર૦ ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. જ્યારે તેની સરખામણીમાં સોના-ચાંદી અને શેરબજારમાં રોકાણ કરનારાઓને અડધું રિટર્ન મળ્યું છે.

નોંધનીય છે કે સોનામાં છ મહિનામાં ૪.૬૦ ટકા જેટલું રિટર્ન મળ્યું છે. જ્યારે ચાંદીમાં ૩.૩૧ ટકા અને શેરબજારમાં ૪.૩૯ ટકા રિટર્ન મળ્યું છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે ફેબ્રુઆરીમાં જાહેર કરેલા સામાન્ય બજેટ બાદ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો એટલું જ નહીં કર્ણાટક રાજ્યના ચૂંટણી પરિણામ ત્યાર બાદ જમ્મુુ-કાશ્મીરમાં બીજેપીએ પીડીપીથી ટેકો પાછો ખેંચી લેતાં શેરબજારમાં તેની અસર જોવા મળી હતી એટલું જ નહીં વિદેશી રોકાણકારો દ્વારા પણ યુએસ ફ્રેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરાતાં રોકાણ પાછું ખેંચી રહ્યા છે. તેની અસર બજારમાં જોવા મળે છે.

દરમ્યાન વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળે છે. વૈશ્વિક બજારમાં સોનું ૧રપપ ડોલરની સપાટીએ પહોંચી જતાં તથા ચાંદી ૧૬.ર૦ ડોલર પ્રતિઔંશની સપાટીએ પહોંચી જતાં સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ચાલુ કેલેન્ડર વર્ષે સ્થાનિક બજારમાં સોનામાં ૧ર૦૦ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં પ્રતિકિલોએ ૧૩૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. નોંધનીય છે કે આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૩૧,૮૦૦ની સપાટીએ ખૂલ્યો હતો.

જ્યારે ચાંદી ૪૦,પ૦૦ની પ્રતિકિલોના મથાળે ભાવ ખૂલ્યો હતો. અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે ઇકિવટી બજારમાં સ્ટેડી ચાલ જોવા મળી હતી.

You might also like