શહેરના ઢોરવાડામાં ચાલતું કૂતરા ખસીકરણ કેન્દ્ર આખરે હવે ખસેડાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં દર ત્રણ દિવસે ચાર ઢોર એક અથવા બીજા કારણસર મૃત્યુ પામતા હોઈ જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. તંત્રનો ઢોરવાડો કસાઈવાડો ન બને તેવી લોકલાગણીની વચ્ચે ઢોરવાડામાં રખડતા કૂતરાના ખસીકરણ- રસીકરણ કેન્દ્ર ધમધમતા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. કોર્પોરેશનના સત્તાવાળાની ઘોર બેદરકારીના કારણે ઢોરવાડામાં રખડતા કૂતરાના ખસીકરણ કેન્દ્ર કાર્યરત છે.

શહેરમાં રખડતા કૂતરાઓને પકડીને ખસીકરણ અને રસીકરણની કામગીરી તંત્ર દ્વારા ચાર સંસ્થાઓને અપાઈ છે. જે પૈકી તંત્ર દ્વારા એનિમલ હેલ્પ ફાઉન્ડેશનને ગ્યાસપુરમાં, પીપલ ફોર એનિમલને ગોમતીપુરમાં જગ્યા ફાળવાઈ છે પરંતુ એનિમલ રાઈટ ફંડ અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ એમ બે સંસ્થાઓને સત્તાવાળાઓ દ્વારા ઢોરવાડામાં જગ્યા ફાળવાઈ છે.
આ બંને સંસ્થાઓને તંત્ર દ્વારા લાઈટ, પંખા, પાણી, કેનાલ, શેડ, ઓપરેશન થિયેટર જેવી માળખાગત સુવિધાઓ પૂરી પડાઈ છે. કોર્પોરેશનના ઢોરવાડામાં કૂતરા ખસીકરણનું કામ કરતી એજન્સીઓને જગ્યા ફાળવવા પાછળ અમદાવાદના એક પૂર્વ ધારાસભ્યના આશીર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

એક તરફ ઢોરવાડામાં ઢોરોને શેડ, પાણીના હવાડા, પશુ સારવાર કેન્દ્ર, પશુ આહાર માટેનું ગોડાઉન જેવી સગવડો પૂરી પાડવાના શાસકો પોતાના બજેટમાં ઠરાવ કરે છે. આ તો ઠીક પાછલા વર્ષના બજેટમાં ઢોરવાડામાં દરરોજ મોટા પ્રમાણમાં ગોબર મળતું હોઈ આ ગોબરના ઉપયોગથી પર્યાવરણલક્ષી અભિગમ સાથે ઢોરવાડામાં ‘જેડા’ના સહયોગથી ગોબર ગેસ પ્લાન્ટનું આયોજન કરે છે.

જે માટે બજેટમાં રૂ.પચ્ચીસ લાખની જોગવાઈ કરાય છે. તેમ છતાં રખડતા કૂતરાના ખસીકરણ કેન્દ્રના ધમધમાટના કારણે સત્તાધીશોને ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના માટે પૂરતી જમીન મળતી નથી અને બે-બે વર્ષથી આ પર્યાવરણલક્ષી અભિગમ માટે એક રૂપિયો પણ વાપરી શકાતો નથી!

દરમિયાન ઢોરવાડામાં કાર્યરત કૂતરા ખસીકરણ કેન્દ્ર સામે છેક મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સમક્ષ ઉગ્ર રજૂઆત થઈ છે. આ કેન્દ્રને તત્કાળ ખસેડી લઈને ઢોરવાડાને વધુ અદ્યતન સ્વરૂપ આપવાની માગણી ઊઠી છે. આ ઉગ્ર રજૂઆતોને મુકેશકુમારે ગંભીરતાથી લીધી હોઈ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગને ઢોરવાડાને કૂતરા ખસીકરણ કેન્દ્રથી મુક્ત બનાવવાની કડક તાકીદ કરી છે.

આ અંગે ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના ઉચ્ચ અધિકારીને પૂછતા તેઓ કહે છે, હા, કમિશનરનો આદેશ અમને મળી ચૂક્યો છે.  અમે છેલ્લા પંદર-વીસ દિવસથી કૂતરા ખસીકરણ કેન્દ્રને નવી જગ્યા ફાળવવાની તપાસ આરંભી છે. નવી જગ્યા મેળવ્યા બાદ ઢોરવાડામાંથી હાલના કેન્દ્રોને ત્યાં સ્થળાંતરિત કરાશે.

આ દરમિયાન ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી નાયબ પોલીસ અધીક્ષકની જગ્યા પર ગત તા.૪ જાન્યુઆરીથી એસ.એમ. પટેલની નિમણૂક કરાઈ છે. જો કે તંત્ર હજુ સુધી આ પોલીસ ઉચ્ચ અધિકારીને ઓફિસની ફાળવણી કરી શક્યું નથી. તંત્રની બેદરકારીના લીધે એસ.એમ. પટેલને મુખ્યાલયની કારંજ પોલીસ ચોકીમાં બેસીને ફરજ નિભાવવી પડે છે!
http://sambhaavnews.com/

You might also like