ગુજરાતમાં આ આંદોલનની કોઈ જ નથી કરતું ચર્ચા

મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની જન્મભૂમિ એવું ગુજરાત છેલ્લા કેટલાક મહિનાઓથી જાતિવિગ્રહમાં ફસાયેલું છે. જાતિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને રાજકારણીઓ જનતાને ગુમરાહ કરીને રોટલા શેકી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનથી શાસકપક્ષ ભાજપને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા છે અને તેમાં દલિતોનું આંદોલન વેગ પકડતું જાય છે. આ બંને આંદોલન ભાજપ માટે તો નુકસાનકારક છે જ પણ વિશ્વભરમાં ગુજરાતીઓની શાંત પ્રજા તરીકે ઊભરેલી છબિને પણ ખંડિત કરે છે. આંદોલન કરવું એ પ્રજાનો અધિકાર છે પણ સમાજના સાચા હિત માટે હોવું આવશ્યક છે.

ગુજરાતમાં ઠાકોર સમુદાય દ્વારા એવું આંદોલન ચાલી રહ્યું છે જે કામ ખરેખર સરકારે કરવું જોઈએ. ગુજરાતમાં દારૂ પીવો, વેચવો કે બનાવવો એ ગુનો છે, પરંતુ ગુજરાતમાં એક પણ એવી જગ્યા નથી જ્યાં દારૂ ન મળતો હોય. સરકારી આંકડા અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં ૨.૪૬ અબજનો દારૂ ઝડપાયો છે. આ આંકડો સરકારી છે તો હકીકત કેટલી ભયાનક હશે.

ગુજરાતનાં ગામડાંમાં દેશી દારૂ બનાવવામાં આવે છે અને તેના લીધે અનેકનાં મોત થયાં છે. આ દારૂના ધંધા બંધ કરાવવા અને લોકોને સારા માર્ગે વાળવા ઠાકોર સમાજ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માહિતી પ્રમાણે ચાર મહિનામાં ઠાકોર સેનાએ ૮૦૦ જગ્યાએ રેડ પાડીને સરકારીતંત્રની પોલ ઉઘાડી પાડી હતી.

You might also like