જેલમાં જામર કામ નથી કરતાં કે ઇરાદાપૂર્વક બંધ કરી દેવાય છે?

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3G/4G જામર લગાવવામાં આવ્યાં છે. છતાં જેલમાં ફોન પર કેદી આરામથી વાતચીત કરતાં ઝડપાય છે. જેલમાં જામર લગાવેલાં હોવા છતાં જામર કામ નથી કરતાં કે પછી ઇરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવે છે. તેના પર સવાલ ઊઠી રહ્યા છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ વાઘેલા ૩૦ જૂનના રોજ મોડી રાત્રે નાઇટ ડ્યૂટી પર હતા. રાત્રે તેઓ સ્ટાફ સાથે નવી જેલમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. દરમિયાન ભગતસિંહ યાર્ડમાં બેરેક નં.રરમાં લોબીના ભાગે કાચા કામનાં આરોપીની વર્તણૂક શંકાસ્પદ લાગતાં બેરેક ખોલી તપાસ કરી હતી.

કાચા કામનો કેદી મનીષ શ્રીનિવાસ ગોસ્વામી (હાલ. રહે. સાબરમતી જેલ. મૂળ રહે. સમાધિ,મધ્યપ્રદેશ)ને ફોન પર વાતચીત કરતાં ઝડપી લીધો હતો.

મનીષ ગોસ્વામીની અંગ ઝડપી કરતાં તેની પાસેથી કુલ બે મોબાઇલ મળી આવ્યા હતા. જેલ સ્ટાફે બંને મોબાઇલ કબજે કરી પૂછપરછ કરતાં બંને ફોન તેના હોવાનું જણાવ્યું હતું. જેલરે આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3G/4G જામર લગાવેલાં છે. છતાં જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવે છે. તેઓ બિનધાસ્ત ફોન પર વાતચીત કરતાં ઝડપાય છે.

You might also like