શું એન્જિનીયરિંગ કોલેજો હવે બંધ થશે!, યુવાધન નારાજ

રૂપિયાનાં જોરે અને રાજકીય પ્રભાવનાં બળે એન્જીનિયરિંગ કોલેજોની હારમાળા ખડકી દેવાઇ છે અને ફી ઊઘરાવવામાં એટલા તો વ્યસ્ત થઈ ગયાં છે કે, એન્જીનીયરીંગનાં પાઠ ભણાવવાનું જ હવે ભૂલી ગયાં. નિષ્ણાંતો અને પ્રેક્ટીકલ ટ્રેનિંગનાં અભાવે વિદ્યાર્થીઓ મહાકાય કંપનીઓની ખરી કસોટીમાં પાર ઉતરી ન શક્યાં અને બજારમાં એન્જીનીયરીંગનાં નામે બેકારોની ફૌજ ઊભી થઈ ગઈ. પ્રભાવનાં જોરે કોલેજોએ બેઠકો તો વધારી દીધી પરંતુ કોલેજો બેઠકો પર બેસનારાઓનો વિશ્વાસ ખોઈ બેઠી. રાજ્યમાં આજે અડધું યુવાધન એન્જીનીયરીંગ કરવા તૈયાર નથી.

એક સમય એવો હતો કે જયારે 12 ધોરણ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એન્જીનીયરીંગ શાખામાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થતી હતી અને માર્કેટમાં એન્જીનીયરોની વિશેષ માંગ રહેતી હતી. પરંતુ હવે સમય બદલાઇ ગયો છે. હવે એન્જીનીયરીંગ કરવા માટે વિદ્યાર્થીઓ તૈયાર નથી.

મહત્વનું છે કે ગુજરાતમાં હાલમાં કુલ 140 એન્જીનીયરીંગ કોલેજો આવેલી છે કે જેમાં વિવિધ બ્રાન્ચમાં પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોની 55 હજાર સીટો માટે યોજાયેલ પ્રવેશ પ્રક્રીયામાં બીજા રાઉન્ડનાં અંતે 28 હજાર સીટો ખાલી રહેતાં કોલેજો બંધ થવાને આરે પહોંચી છે.

કોલેજોમાં તજજ્ઞ અધ્યાપકોની અછત અને અસુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લેતાં હવે ખચકાટ અનુભવી રહ્યાં છે, જેને લઇને રાજ્યની ચાર કોલેજોને એક પણ વિદ્યાર્થી મળી શક્યો નથી. પંચમહાલની ઓમ ઈન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજી, બોટાદની જે.એમ.સાબવા ઈન્સ્ટીટયૂટ, વઢવાણની પંડિત નાથુલાલ વ્યાસ ટેકનિકલ કેમ્પસ અને અમરેલીની અરુણ મુન્છાલાલ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લેવા એક પણ વિદ્યાર્થીએ રસ દાખવ્યો નથી.

તો બીજી બાજુ 50 ટકા કરતાં પણ ઓછી બેઠકો ભરાઈ હોય તેવી કોલેજોની સંખ્યા પણ ઘણી વધારે છે. 1%થી ઓછી બેઠકો ભરાઈ હોય તેવી 23 કોલેજો છે. 10થી 20 % બેઠકો ભરાઈ હોય તેવી 14 કોલેજો છે. તો 20થી 50 % બેઠકો ભરાઈ હોય તેવી કોલેજોની સંખ્યા 29 છે.

20 ટકાથી પણ ઓછી બેઠકો ભરાઈ હોય તેવી રાજ્યની અંદાજિત 50 જેટલી એન્જીનીયરીંગ કોલેજો છે, એનાં પરથી જ એવું સ્પષ્ટ થાય છે કે હાલમાં એન્જીનીયરીંગ કોલેજોની શું સ્થિતિ છે. કોલેજો પાસે બેઠકો પણ ઉપલબ્ધ છે. પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ પીરસનારા તજજ્ઞોનો અભાવ છે.

એટલું નહીં આજે પણ જાણે ભૌતિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં કારખાનાની જેમ ઠેર-ઠેર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનાં રાફડા ફાટ્યાં છે. વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીમાં એન્જીનીયરીંગ કોલેજોની સંખ્યા વધી ગઈ છે. ગત એકાદ બે વર્ષનાં સમયગાળા પર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે દર વર્ષે રાજ્યમાં કેટલી ખાનગી કોલેજો ઊભી થઈ રહી હતી.

તગડી ફીની લાલચે અને પૈસાનાં પ્રભાવનાં જોરે કોલેજો તો ઊભી કરી નખાઇ છે પરંતુ તજજ્ઞ શિક્ષકો અને એન્જીનીયરીંગ કોલેજોને છાજે તેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી કરવામાં નથી આવી. જેનાં કારણે એન્જીનીયરીંગનાં અભ્યાસ બાદ પણ વિદ્યાર્થીઓ મોટી કંપનીઓને સંતોષ આપી શકે તેવી સ્કીલ ઊભી કરી ના શક્યાં અને નવા-નવા એન્જીનીયરીંગને પ્લેસમેન્ટ મળવાનો દર પણ ઘટી ગયો. જેનાં લીઘે બેકારોની એક ફૌજ ઊભી થઈ છે.

વળી એન્જીનીયરીંગ કરવા માગતા વિદ્યાર્થીઓને એવું પણ લાગી રહ્યું હતું કે, પ્રવેશ મેળવ્યાં બાદ અપૂરતાં વિદ્યાર્થીઓનાં કારણે અડધા શૈક્ષણિક સત્રથી કોલેજની માન્યતા રદ થઈ જશે તો! આ પ્રકારનાં ભયનાં કારણે પણ ઘણાં વિદ્યાર્થીઓએ એન્જીનીયરીંગ શાખામાં પ્રવેશ લેવાનું પણ ટાળ્યું. કોલેજોમાં બૌદ્ધિક સ્ટાફની અછત, સુવિધાનો અભાવ અને પ્લેસમેન્ટમાં નોંધાયેલો ઘટાડો જેવા અનેક કારણોને લીધે વિદ્યાર્થીઓએ આ વર્ષે એન્જીનીયરીંગ શાખામાં પ્રવેશ લેવામાં નીરસતા દાખવી છે.

આ સિવાય ધોરણ-12માં વિદ્યાર્થીઓનો ઝુકાવ હવે A-ગ્રુપ કરતાં B-ગ્રુપ તરફ વધી રહ્યો છે. જેનાં કારણે પણ એન્જીનીયરીંગ કોલેજોને વિદ્યાર્થીઓ મળી રહ્યાં નથી. જેનાં કારણે એન્જીનીયરીંગ કોલેજો બંધ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

You might also like