દેશના સળગતા પ્રશ્નો પરથી ધ્યાન બીજે વાળવાનો કારસો

શાંતિ અને સદ્ભાવનાના વિશ્વ પ્રતિક ગણાતા આપણા દેશમાં ગરીબી, બેરોજગારી અને આઝાદીના આટલાં વર્ષો પછી પણ જીવનની મુખ્ય જરૂરિયાત સમાન ગણાતા અન્ન માટે આજે પણ આપણે પરાવલંબી છીએ ત્યારે દેશની જવાબદારી સ્વીકારવા સતત થનગનતા આપણા રાજકારણીઓને આ વિષયોની ચિંતા જણાતી નથી, અથવા જણાય છે તો લોકોનું ધ્યાનમાં તેમાં જોતરવાને બદલે જુદી દિશામાં લઇ જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની કારોબારીની બેઠકમાં પણ કંઇક આવી જ વ્યથા વ્યકત કરી હતી, પરંતુ આજે દેશને વિશ્વ ફલક પર કલંકિત કરવા જાણે કહેવાતા લેભાગુ નેતાઓની હોડ લાગી હોય તેમ જણાય છે. દેશના સમાન્ય માણસની તકલીફો તરફ ધ્યાન આપવાની જગ્યાએ સતત પોતાનો સ્વાર્થ જોતા હોય તેમ લાગી રહ્યું છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ સરકાર બનાવવાની સાથે જ વડા પ્રધાન મોદીઅે રાષ્ટ્રીય વિચાર દ્વારા દેશના લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રયત્ન કર્યો હતો. નાના ઉદ્યોગકર્મીઓને મુદ્રા બેન્ક દ્વારા સક્ષમ બનાવવા, કાળાં નાણાંની સામે કાયદો બનાવવા, ભ્રષ્ટાચાર પર પગલાં ભરવાં, દેશની જરૂરિયાતનાં માળખાંને મજબૂત કરવા અને ગામડાં, ખેતીવાડી તથા ખેડૂતને ધ્યાનમાં રાખી તેઓની કાર્યશૈલીને મહત્ત્વ આપવા આ બજેટમાં નિર્ણય કરાયો છે. છેલ્લા બે વર્ષમાં વિપક્ષ અને મીડિયા સરકાર સામે ભ્રષ્ટાચારનો એક પણ પ્રશ્ન ઉઠાવી શકી નથી એટલે નિરર્થક મુદ્દાઓ પર સરકારને ઘેરવા અને દેશની છબી ધૂંધળી કરવાનું એક ષડયંત્ર ચલાવાઇ રહ્યું છે.
ઉત્તરપ્રદેશના દાદરીકાંડ પછી દેશમાં અસહિષ્ણુતાનો મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો. એવોર્ડ પરત કરવાનું એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. ગણ્યાગાંઠયા બુદ્ધિજીવીઓ અને ફિલ્મ કલાકારો દ્વારા આ દેશની વિવિધ સંસ્કૃતિને કલંકિત કરવા અને સમાજના એક વર્ગમાં ભયનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરાયો જેનાથી દુનિયામાં કેવો સંદેશ ગયો હશે?
દાદરી પછી ગૌમાંસના પ્રશ્નને લઇને દેશમાં ઊહાપોહ ઊભો કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં જાવેદ અખ્તરે આ સંદર્ભમાં જે જવાબ આપ્યો તેવું સાચું બોલવાની હિંમત કેટલા સાહિત્યકારો, બુદ્ધિજીવીઓ તેમજ કલાકારોમાં છે અને જો નથી તો કેમ? તે પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે. ગૌમાંસ ખાવાના પ્રશ્ન પર જાવેદ અખ્તરે કહ્યું હતું કે તે ગૌમાંસ નથી ખાતા, કારણ કે તેમના વડવાઓએ પણ નથી ખાધું.. તેમણે બલવીર પુંજના લેખનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ૧૮પ૭ની ક્રાંતિ પછી જ્યારે દિલ્હીની ગાદીઓ બહાદુર શાહ જફર બેઠા ત્યારે પોતાના પહેલા ફરમાનમાં ગૌહત્યા કરનારાઓને તોપથી ઉડાડી મૂકવાનો કાયદો બનાવ્યો હતો. આટલી સ્પષ્ટ વિચારધાારા આજે કયાં જોવા મળે છે? આપણા દેશમાં કેટલા ટકા લોકો ગૌમાંસ ખાય છે? અને કેટલા ટકા એવા છે જે ગાયને માતા માને છે એવી ચર્ચાઓ ચાલે છે.
રાજકીય પક્ષોએ દેશની પ્રજાનાં સર્વગ્રાહી કલ્યાણ અને વિશાળ હિતમાં કામ કરવું જોઇએ. તેના બદલે આજકાલ આપણે જોઇ રહ્યા છીએ કે તમામ રાજકીય પક્ષો કે પછી કોંગ્રેસ કે ભાજપ, ડાબેરીઓ હોય કે બસપા, રાજદ હોય કે જનતાદળ યુ તમામ પક્ષો દેશની ગંભીર અને સળગતી સમસ્યાઓથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે રોજબરોજ અને છાશવારે કોઇને કોઇ નવા મુદ્દાઓ ઊભા કરીને એટલે કે તેને વધુ પડતા ઉછાળી-ચગાવીને કોઇને કોઇ પ્રકારનો નવો વિવાદ છેડવાની એક પણ તક જતી કરતા નથી. તમામ રાજકીય પક્ષોની આ પ્રકારની રાજનીતિ માત્ર દેશ માટે જ નહીં પરંતુ દેશની પ્રજા માટે પણ વિઘાતક પુરવાર થશે અને પાઘડીનો વળ છેડે એમ સરવાળે દેશને જ સુધારી ન શકાય એટલી હદે નુકસાન થશે એ વાત રાજકીય પક્ષોએ ભૂલવી જોઇએ નહીં

You might also like