ટ્રેનમાં ડોક્ટરને રૂ.ર૦નાં બદલે ૧૦૦ કન્સલ્ટિંગ ફી ચૂકવવી પડશે

અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પેસેન્જરને બીમાર પડવું હવે મોંઘું પડી રહ્યું છે. રેલ્વેએ હવે આવક વધારવા માટે ટ્રેનમાં પ્રવાસીઓને અપાતી તબીબી સહાયનાં ચાર્જમાં પાંચ ગણો વધારો કરી દીધો છે. રૂ.ર૦ની ફી સીધી રૂ.૧૦૦ કરી દેતાં દિવાળી વેકેશનમાં રહેલી ચિક્કાર ટ્રેનમાં મુસાફરોને ફર‌જિયાત લેવી પડેલી તબીબી સહાયના પાંચ ગણા ભાવ ચૂકવવા પડ્યાં છે.

પેસેન્જર, ટીટી સિવાય ૧૩૮ હેલ્પલાઇન પર પણ મદદ મેળવી શકશે. ત્યાર બાદ પછીનાં સ્ટેશન પર ડોક્ટર પ્રવાસીને તપાસશે અને રૂ. ૧૦૦ લઇને પ્રવાસીને એક્સેસ ફેર ટિકિટ આપશે. જરૂરી જણાય તો જે તે સ્થળની સરકારી હોસ્પિટલમાં પ્રવાસીને એડમિટ કરશે.

ટ્રેનમાં મુસાફરી વખતે ઘણી વાર પેસેન્જર બીમાર પડી જાય છે અને તેમને તબીબી સારવારની જરૂર પડે છે ત્યારે તેઓ ટ્રેનના ટીટીઈને આ અંગે જાણ કરી સારવાર માટે ડોક્ટરની સહાય માગે છે. આ સ્થિતિમાં ટીટીઈ નજીકના સ્ટેશન માસ્ટરને જાણ કરી સ્ટેશન પર ડોક્ટર બોલાવી પેસેન્જરને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધી પેસેન્જરને તબીબી સહાય મળે ત્યારે ડોક્ટરની કન્સલ્ટિંગ ફીનો રૂ. ર૦ ચાર્જ હતો, પરંતુ ડોક્ટરો આ ફી પેસેન્જર પાસેથી વસૂલ કરતા ન હતા. આ ફી રેલવેતંત્ર ડોક્ટરને ચૂકવતું હતું, જેનું હવે દર્દીએ સીધું ચૂકવણું કરવું પડશે.

You might also like