ડોક્ટર પત્ની પર બળાત્કાર ગુજારનાર ડોક્ટરને પકડવા ઈન્ટરપોલની મદદ લેવાશે

અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ડોક્ટર યુવતી ઉપર તેના જ ડોક્ટર પતિએ વિદેશમાં બળાત્કાર ગુજારીને હુમલો કરવાની ફરિયાદમાં લંડન ‌સ્થિત પતિની ધરપકડ કરવા માટે ગુજરાત પોલીસ ઇન્ટરપોલની મદદ લેશે. ચકચારી આ કિસ્સામાં અમદાવાદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે આરોપી વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ સેન્ટ્રલ એજન્સી ઇશ્યૂ કરે તે માટે ગ્રામ્ય કોર્ટમાંથી વોંરટ પણ ઇશ્યૂ કરાવ્યું છે.

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી અને ઉદ્યોગપતિની દીકરી જિગીશા (નામ બદલેલ છે) પુણેમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે વર્ષ ર૦૦૭માં ગઇ હતી. જ્યાં તેને મેંગલુરુના વતની એવા આઇવીન ડિસોઝા સાથે પ્રેમ સંબધ બંધાયો હતો. આઇવીન અને જિગીશા હિંદુ તથા ક્રિશ્ચિયન વિધિ પ્રમાણે લગ્ન ગ્રંથિમાં જોડાઇ ગયાં હતાં. વર્ષ ર૦૦૯માં જિગીશાએ એક બાળકને જન્મ આપ્યો હતો.

બોપલ પોલીસ સ્ટેશનમાં જિગીશાએ કરેલા ફરિયાદ પ્રમાણે લગ્નનાં થોડાક સમય પછી આઇવીન ડિસોઝા ચરસ ગાંજાની લતે ચઢી ગયો હતો. જેને કારણે અવારનવાર મારઝુડ કરતો હતો. ત્યાર બાદ જિગીશા અને આઇવીન બંને દોહા નોકરી કરવા માટે ચાલ્યાં ગયાં. જ્યાં આઇવીન ડિસોઝાની ડોક્ટર બહેન અને બનેવી રહે છે. આઇવીન ડિસોઝા પોર્નોગ્રાફી ફિલ્મો જોઇને પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. જિગીશાએ તેના ઇ મેઇલ હેક કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પતિથી ત્રાસેલી જિગીશા તેના પુત્રને લઇને વર્ષ ર૦૧૪માં અમદાવાદ આવી. તેણે બોપલ પોલીસ સ્ટેશનમાં આઇવીન ડિસોઝા વિરુદ્ધમાં બળાત્કાર તથા મારપીટની ફરિયાદ કરી હતી. કેસની તપાસ બોપલના તત્કાલીન પીઆઇ એ.બી.વાણંદ ચલાવી રહ્યા હતા ત્યારબાદ ફરિયાદના દસ દિવસ પછી આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આરોપી આઇવીન ડિસોઝાએ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટેમાં અરજી કરી હતી હાઇકોર્ટે આઇવીન ડિસોઝાની અરજીને ફગાવી હતી અને કેસમાં ઝડપી તપાસ કરીને આરોપીને પકડી પાડવા માટે આદેશ કર્યાે હતાે. હાઇકોર્ટે જોકે ધરપકડ સામે સ્ટે આપ્યો હતો.

લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ.એન.રામાણીએ જણાવ્યું હતું કે આઇવીનની ધરપકડ કરવામાં ઘણો વિલંબ થઇ ગયો છે. હાઇકોર્ટનો સ્ટે હટી ગયો છે. હવે મીરજાપુર કોર્ટમાંથી આઇવીનની ધરપકડ માટે કલમ ૭૦ મુજબનું વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. જેમાં આઇવીન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવા માટે ગુજરાત સીઆઇડી ક્રાઇમની મદદથી સેન્ટ્રલ એજન્સી રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે ત્યારબાદ ઇન્ટરપોલની મદદથી તેની ધરપકડ કરવામાં આવશે

પોલીસ ઉપર ભરોસો જ નથીઃ ડો. જિગીશા
આ કેસની તપાસ પહેલા બોપલ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.વાણંદ કરી રહ્યા હતા, પંરતુ ઉચ્ચ અધિકારીઓએ આ કેસની તપાસ અમારી જાણ બહાર લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપી. સાયબર ક્રાઇમ સહિતના અન્ય ગુનો દાખલ કરવા માટે અમે લોકલ ક્રાઇમ બ્રાંચને અરજી કરી છે તેમ છતાંય હજુ સુધી કોઇ પણ પ્રકારનો સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કર્યો નથી. દોઢ વર્ષથી આ કેસ ધક્કે ચઢયો છે માટે પોલીસ ઉપર ભરોસો જ નથી

એર ફેરની ટિકિટ આપવા પણ તૈયાર છીએઃ ડો. જિગીશાના પિતા
ડો.આઇવીન ડિસોઝા લંડનની એક હોસ્પિટલમાં ફરજ બજાવે છે. બ્રિટન સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ છે તેથી તેની ધરપકડ કરી શકાય તેમ છે. પોલીસના લંડન જવાનો ખર્ચ પણ અમે ભોગવવા તૈયાર છીએ.

You might also like