ડોક્ટરે સારવાર લીધા બાદ રૂ.૩.૫૪ લાખનું બિલ ન ચૂકવ્યું!

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં અાવેલી એચસીજી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ડોક્ટરે સારવાર લીધા બાદ થયેલું કુલ બિલ રૂ. ૬.૫૪ લાખમાંથી રૂ. ૩ લાખ ટુકડે ટુકડે ચૂકવ્યા બાદ બાકીના રૂ. ૩.૫૪ લાખ ન ચૂકવતાં અા અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અા અંગે ડોક્ટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરની માલધારી સોસાયટીમાં રહેતા ડો. સુનિલ અશરફ ગત તા. ૧૬ અોગસ્ટ ૨૦૧૬ના રોજ બીમાર હોઈ નવરંગપુરાના મીઠાખળી સર્કલ પાસે અાવેલી એચસીજી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લેવા ઇમર્જન્સીમાં લાવ્યા હતા. તેઅોને શ્વાસોશ્વાસની તકલીફ, અતિશય તાવ અને ગળફાની તકલીફ હોઈ તેઅોને સારવાર માટે અાઈસીયુમાં દાખલ કરવામાં અાવ્યા હતા. તેઅોની હોસ્પિટલમાં અાઈસીયુમાં સારવાર ચાલુ હતી. દરમ્યાનમાં તેઅોની સારવાર સંપૂર્ણ બિલ રૂ. ૬.૫૪ લાખ જેટલું થતું હતું.

રૂ. ૬.૫૪ લાખ જેટલું બિલ થતાં ડો. સુનીલે ટુકડે ટુકડે પૈસા હોસ્પિટલને ચૂકવવાનું જણાવતાં તેઅોઅે ટુકડે ટુકડે અત્યાર સુધી કુલ રૂ. ત્રણેક લાખ જેટલી રકમ હોસ્પિટલને ચૂકવી દીધી હતી. પરંતુ બાકીના રૂ. ૩.૫૪ લાખની રકમ બાકી રહેતાં હોસ્પિટલના સત્તાધીશોઅે અા રકમને ચૂકવવા ડો. સુનીલને જણાવ્યું હતું. સુનીલે બિલના પૈસા ભરી દઈશ તેવો વિશ્વાસ આપ્યો હતો પરંતુ તેઅોઅે અાજ દિન સુધી બાકીનું બિલ ન ચૂકવતાં અા અંગે નવરંગપુરા પોલીસે સ્ટેશનમાં ડો. સુનીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં પી.અાઈ. અાર.વી. દેસાઈઅે જણાવ્યું હતું કે ગઈ કાલે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ છે. અા અંગે તપાસ ચાલુ છે.
http://sambhaavnews.com/

You might also like