ઘાટલોડિયામાં ડોક્ટરના ઘરમાંથી રૂપિયા ૬૪,૦૦૦ની મતાની ચોરી

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ડોક્ટરના ઘરમાંથી રૂ. ૬૪,૦૦૦ની મતાની ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરો નીચેના માળે આવેલા રૂમની તિજોરીને ચાવી વડે ખોલી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘાટલોડિયા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઘાટલોડિયા વિસ્તારમાં કર્મચારીનગર વિભાગ-૨માં વિઠ્ઠલભાઇ હરિપ્રસાદ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ઘાટલોડિયામાં જ ઝલક પેથોલોજી લેબોરેટરી ધરાવી વ્યવસાય કરે છે. રાત્રિના ૧૧ વાગ્યે તેઓ લેબોરેટરીથી ઘરે આવી મોડી રાત સુધી ટીવી જોતા હતા. ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ ઉપરના માળે જઇ સૂઇ ગયા હતા. વહેલી સવારે તેમનાં પત્ની સ્મિતાબહેન જાગી બેઠકરૂમમાં આવ્યાં ત્યારે ઘરનો સરસામાન વિખેરાયેલો હતો. ડાઇનિંગ રૂમની બારીની લોખંડની ગ્રિલ તૂટેલી હતી.

અજાણી વ્યક્તિઅે ઘરમાં ઘૂસી નીચેના માળે બેડરૂમમાં આવેલી તિજોરીને ચાવી વડે ખોલી ડ્રોઅરમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા અને કેમેરા વગેરે મળી રૂ. ૬૪,૦૦૦ની મતાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like