અાંબાવાડીમાં ડોક્ટરના ઘરેથી સાત લાખની મતા ચોરાઈ

અમદાવાદ: પાકિસ્તાન દ્વારા ભારત સરકારને અપાયેલા પત્રમાં ગુજરાતમાં દસ આતંકી ઘૂસ્યાના અહેવાલના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. જેથી પોલીસ દિવસ-રાત સતત પેટ્રોલિંગ અને વાહનચેકિંગ કરી રહી છે, પરંતુ આટલા એલર્ટ અને ચેકિંગ વચ્ચે શહેરના આંબાવાડી વિસ્તારમાં ભરબપોરે તસ્કરોએ ડોક્ટરના બંધ મકાનને ટાર્ગેટ બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂ.સાત લાખની મતાની ચોરી કરી ફરાર થઈ જતાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધા તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંબાવાડી વિસ્તારમાં જૂના પાંજરાપોળ રોડ પર આવેલા વશિષ્ઠ એપાર્ટમેન્ટમાં ડો. જ્યોતીન્દ્ર પ્રત્યાકર પંડિત (ઉ.વ.૬૨) તેમનાં પત્ની અને પુત્રવધુ સાથે રહે છે. ગઈ કાલે સવારે ડો. જ્યોતીન્દ્ર પંડિત ગુજરાત કોલેજ ખાતે આવેલી તેમની ઓર્થોપેડિક હોસ્પિટલે ગયા હતા અને તેમનાં પત્ની શિક્ષિકા છે, જેથી તેઓ સ્કૂલે ગયા હતા તેમજ તેમનાં પુત્રવધુ લાઈબ્રેરી ખાતે ગયા હતા.

તે દરમિયાનમાં તેમના બંધ મકાનને તસ્કરો ટાર્ગેટ બનાવી ઘરના મુખ્ય દરવાજાનું ઈન્ટરલોક તોડી અંદર પ્રવેશી બેડરૂમમાં રહેલી તિજોરી અને કબાટમાંથી રોકડા રૂપિયા, સોના-ચાંદીના દાગીના તેમજ લેપટોપ સહિત કુલ રૂ.સાત લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા. બપોરે જ્યોતીન્દ્રભાઈનાં પત્ની ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજાનું લોક તૂટેલું જોતાં પોલીસને જાણ કરી હતી. એલિસબ્રિજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ ફરિયાદ નોંધી હતી. જોકે આ મુદ્દે એલિસબ્રિજ પી.આઈ. બિ‌િપન સોનારાનો સંપર્ક કરતાં તેઓએ આ અંગે ચોરી કોઈ જવાબ આપ્યો નહોતો.

You might also like