ડોક્ટરે દવા અાપ્યા બાદ તબિયત લથડતાં ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા બેભાન

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રૂ.૧૭ લાખની લેતી દેતી મામલે સમાધાન માટેની મીટિંગમાં ડોક્ટરે એક મહિલાને દવા આપતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ડોક્ટરે આપેલી દવા લેતાં મહિલાની તબિયત લથડી અને પોલીસ સ્ટેશનમાં જઇને તે બેભાન થઇ ગઇ હતી.જેથી પોલીસ કર્મીઓએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. રામોલ પોલીસે ડોક્ટર અને તેનાં માતા- પિતા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

રામોલ વિસ્તારમાં આવેલ જામફળવાડી ખાતે આવેલા સંતદેવ ટેનામેન્ટમાં રહેતા દિનેશસિંહ રામદેવસિંહે પડોશમાં રહેતા કેસરીપ્રસાદ રામતીરથ રાજપૂતને મકાન બનાવવા માટે રૂ.૧૭ લાખ આપ્યા હતા. પાંચ વર્ષથી રૂપિયા પરત નહીં આપતાં કેસરીપ્રસાદે ડિસેમ્બર ર૦૧૬માં રૂ.૧૭ લાખનો ચેક દિનેશસિંહને આપ્યો હતો. જોકે ચેક રિટર્ન થતાં દિનેશસિંહે કેસરીપ્રસાદને નોટિસ આપી હતી.

તા.૯ માર્ચના રોજ બપોરે ૩-૦૦ વાગ્યાની આસપાસ કેસરીપ્રસાદની પત્ની માલતીબહેન અને પુત્ર ડો. વિનોદ રાજપૂત દિનેશસિંહના ઘરે સમાધાન કરવા માટે ગયા હતા. ઘરમાં દિનેશસિંહની પત્ની ઇન્દુબાલા હાજર હતાં તે સમયે બન્ને જણાએ સમાધાનની વાત કરી હતી અને ચેક બાઉન્સના કેસને પરત ખેંચવા માટેની વાત કરી હતી. ઇન્દુબાલાની તબિયત ખરાબ હોવાના કારણે ડો.વિનોદે ચાર દવા માટે આપી હતી.

દવા લીધા બાદ ઇન્દુબાલાની તબિયત વધુ લથડતાં તેઓ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયાં હતાં. તેઓ એકાએક બેભાન થઇ ગયાં હતાં. પોલીસ કર્મચારીઓ ઇન્દુબાલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમની તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. ગઇકાલે પોલીસે ડો. વિનોદ, પિતા કેસરીપ્રસાદ અને માતા માલતીબહેન વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગુનો દાખલ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like