મરવામાં મોડા પડવું છે?

મોંઘીભાભી બોલ્યાં કે દરરોજ કરતાં એક કલાક મોડું થશે. મારે ધોળા વાળને કાળા કરાવવા માટે બ્યુટી પાર્લરમાં જવાનું છે.

અંબાલાલ નાઇટ સૂટ પહેરીને છાપંુ વાંચતો હતો. અંબાલાલનો નાઇટ સૂટ એટલે લીટીવાળો લેંઘો અને લેંઘા ઉપર લેંઘાના જ કાપડનો લીટીવાળો શર્ટ. શર્ટ અને લેંઘાના લીટા મળી જવા જોઈએ. અંબાલાલ ક્યારેય સૂર્યોદય પહેલાં જાગ્યો નથી છતાં પોતાના પુત્રને વહેલા જાગવાની શિખામણ આપે છે. અંબાલાલ પોતે એસએસસીમાં ત્રણ ટ્રાયલ બાદ ઉત્તીર્ણ થવામાં સફળ થયો છે છતાં પોતાના પુત્રને હોમવર્કમાં મદદ કરે છે. દામોદરનું હોમવર્ક તપાસીને વર્ગશિક્ષકે એક વાર કહ્યું હતું કે આ હોમવર્ક એકથી વધુ વ્યક્તિએ કર્યું હોય તેવું લાગે છે કારણ એક જ વ્યક્તિથી આટલી બધી ભૂલો થાય જ નહીં.

આ અંબાલાલ ચોથી ફેબ્રુઆરીને રવિવારે દરરોજ કરતાં મોડો ઊઠીને નાઇટ સૂટમાં ન્યૂઝપેપર વાચતો હતો. મોંઘીભાભી ગાઉન પહેરીને રસોડામાં ચા બનાવી રહ્યાં હતાં. ચા તૈયાર થયા બાદ ટ્રેમાં કપ-રકાબી સાથે મોંઘીભાભી એવી રીતે ડ્રોઇંગરૃમમાં આવ્યાં જે રીતે દેવોના વૈદ ધન્વંતરિ અમૃતનો કુંભ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. અંબાલાલ માટે ચા અમૃતથી પણ અધિક પ્રિય છે.

મોંઘીભાભીએ ચા પીતાં-પીતાં કહ્યુંઃ આજે બપોરે જમવામાં થોડું મોડું થશે. અંબાલાલે અખબારમાં જ નજર રાખીને પૂછ્યુંઃ કેટલું મોડું થશે? આ સાંભળીને મોંઘીભાભી બોલ્યાં કે દરરોજ કરતાં એક કલાક મોડું થશે. મારે ધોળા વાળને કાળા કરાવવા માટે બ્યુટી પાર્લરમાં જવાનું છે.

આ સાંભળી અંબાલાલે છાપંુ દૂર કરીને પોતાના બગડી ગયેલા ચહેરાના વધુ બગડેલા રૃપનું દર્શન કરાવ્યું. આ રીતે કુવદનદર્શન કરાવી અંબાલાલ બોલ્યો કે જો તું રસોઈ બનાવવામાં એક કલાક મોડી પડવાની હોય તો તારે પત્ની તરીકે રાજીનામું આપી દેવું જોઈએ.  અંબાલાલની વાત સાંભળીને મોંઘીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

મોંઘીભાભી ચાનો કપ અધૂરો છોડીને ઊભાં થઈ ગયાં. ક્રોધના લીધે તેમના નાકના બંને ફોયણાં હાર્મોનિયમની ધમણની માફક આવર્તન કરવા લાગ્યા. ભાભી બોલ્યાં કે વહુ તરીકે રાજીનામું આપું એમ? તમે જિંદગીમાં ક્યારેય સમયસર એક પણ કામ કર્યું છે? તમારો જન્મ સાડા નવ મહિને થયો હતો એનો મતલબ કે તમે જનમવામાં પંદર દિવસ મોડા પડ્યા હતા ત્યારે તમે દીકરા તરીકે રાજીનામું આપ્યું હતું? એસએસસીમાં તમે બબ્બે વખત નાપાસ થયા છો. ત્રીજી સવારીમાં પણ શિક્ષક કૃપાથી માંડ માંડ પાસ થયા છો. એસએસસીમાં પાસ થવામાં તમે બે વરસ મોડા પડ્યા હતા ત્યારે તમે વિદ્યાર્થી તરીકે રાજીનામું આપ્યું હતું?

આપણે ત્યાં પચીસ વરસ સુધી બ્રહ્મચર્યાશ્રમ અને છવ્વીસથી પચાસ સુધી ગૃહસ્થાશ્રમ હોય છે એનો અર્થ છવ્વીસમા વરસે પરણી જવું જોઈએ. તમે પાંત્રીસ વરસના ઢગા થયા ત્યારે પરણ્યા છો. તમારી સાથે મારું નક્કી કરવાનું હતું ત્યારે અમારા તમામ સગાની ના હતી. સગાની ક્યાં વાત કરો છો, પરંતુ મારાં મમ્મીની ના હતી છતાં મારા પપ્પા કોઈનું ન માન્યા અને ગધેડાની ડોકે હીરો બાંધી દીધો. તમે પરણવામાં નવ વરસ મોડા પડ્યા છતાં અમે તમારું રાજીનામું માગ્યું હતું?

દામોદરનો જન્મ આપણાં લગ્નનાં પાંચ વરસ પછી થયો. તમે બાપ બનવામાં પણ ચાર વરસ મોડા પડ્યા હતા છતાં અમે તમારું બાપ તરીકે રાજીનામું માગ્યું નથી અને હું આજે એક કલાક જમવાનું મોડું આપું તો મારે રાજીનામું આપવાનું એમ? પહેલાં તમે દીકરા તરીકે, વર તરીકે અને બાપ તરીકે રાજીનામું આપો પછી હું પત્ની તરીકે રાજીનામું આપીશ.

મોંઘીભાભીએ એક જ શ્વાસે આખા જીવનનું સરવૈયું આપી દીધું. અંબાલાલને પણ થયું કે બોલવામાં થોડી ઉતાવળ થઈ ગઈ છે. નારી હવે પુરુષ સમોવડી નથી, પરંતુ પુરુષ કરતાં પણ આગળ છે તેનું ભાન થઈ ગયું. અંબાલાલને થયું કે રવિવારે રવિ એટલે કે સૂરજનો તાપ હોય તે રીતે પત્ની તપી ગઈ હતી અને જો એને ઠંડી પાડવામાં ન આવે તો સવાર તો બગડી, પરંતુ આખો દિવસ બગડવાની પૂરેપૂરી ભીતિ હતી. અંબાલાલે પત્નીને શાંત પાડવાના શુભાશયથી કહ્યું કે તમે તો મારી મશ્કરીને સિરિયસલી લઈ લીધી. ગાંડી હું મજાક કરતો હતો.

મને મજાક પસંદ નથી. મોંઘી ઉવાચ.
તો હવેથી મજાક નહીં કરું બસ. આ તો આજના ન્યૂઝ પેપરમાં એક સમાચાર છે. એ સમાચારની અસરમાં મારાથી તારા રાજીનામાની માગણી થઈ ગઈ છે.

શાના સમાચાર છે? મોંઘીભાભીએ પૂછ્યું.
અંબાલાલને અગનગોળો ઠંડો પડવાની આશા જન્મી એટલે અખબારનું પાનું અર્ધાંગિનીને દેખાડતાં બોલ્યોઃ જો બકા, જો… આજના છાપામાં સમાચાર છે કે ઇંગ્લેન્ડમાં એક માઇકલ બેટ્સ નામના સાંસદ છે. આ માઇકલભાઇ બ્રિટિશ સંસદમાં માત્ર એક મિનિટ મોડા પહોંચ્યા એમાં એમને એટલું બધું લાગી આવ્યું કે એમણે વડાપ્રધાન થેરેસાને રાજીનામું આપી દીધું.

એ કેટલા કલાક મોડા પડ્યા હતા? મોંઘીભાભીને પણ રસ પડ્યો.

અરે ગાંડી કલાક નહીં, મિનિટ અને એ પણ એક મિનિટ. જો ગાંડી, વાત એમ બની કે…..

‘તમારે મને ગાંડી…ગાંડી… કહેવાનું નહીં. ગાંડા હશો તમે, તમારા બાપા અને તમારી બા. અમારા કુટુંબમાં કોઈ ગાંડું નથી.લ્લ મોંઘી ફરી ઊકળી ઊઠી.

અરે ગાંડી… સોરી ડાહી…. ગાંડો તો હું છું કે દોઢ લાખનું દેણું કરીને તને પરણી લાવ્યો… તું તો શાણી છે, ડાહી ડમરી છે… અંબાલાલે મીનો ભણ્યો.

બસ… બસ… હવે મૂળ વાત કરો… મોંઘીએ ભરથારને માફ કરી દીધો.

હા… તો વાત એમ હતી કે ઇંગ્લેન્ડના સાંસદ માઇકલભાઇ સાઇકલ લઈને તો સંસદભવનમાં જતા નહીં હોય… ગમે તે કારણસર એક મિનિટ મોડા પડ્યા. ત્યાં હાઉસ ઓફ લૉર્ડઝ ચેમ્બરમાં પ્રશ્નોત્તરીનો સમય હતો. માઇકલભાઇ સંસદમાં પહોંચ્યા ત્યારે પ્રશ્નોત્તરી શરૃ થઈ ગઈ હતી. આથી એમને લાગી આવ્યું કે હું આ દેશનો સાંસદ હોવા છતાં એક મિનિટ મોડો પહોંચું તો હું મારા દેશની પ્રજાને કેવી રીતે સમયપાલન માટે સમજાવી શકું? મને વિશ્વાસ છે કે દામોદરની મમ્મી, આ માણસ ક્યારેય એક પણ રૃપિયાની ખાયકી પણ કરતો હશે નહીં, કારણ જે દેશનો સાંસદ ભ્રષ્ટાચાર કરે તો એ પ્રજાને કેવી રીતે શિષ્ટાચાર માટે સમજાવી શકે?

ત્યાંના વડાપ્રધાને રાજીનામું લઈ લીધું? મોંઘીએ પૂછ્યું.

ના… વડાપ્રધાન થેરેસાભાઈએ માઇકલભાઇને ફરી વિચારવા માટે વિનંતી કરી છે. બીજા સાંસદોએ પણ માઇકલભાઇને સમજાવ્યા છે તમે ભારતના સાંસદો પાસેથી કંઈક તો શીખો. એ લોકો બબ્બે કલાક મોડા પડે છતાં ક્યારેય રાજીનામું આપવા જેવો નબળો વિચાર કરતા નથી. ભારતમાં નેતાઓ મોડા પડે, ઉદ્યોગપતિઓ મોડા પડે, સંતો મોડા પડે, અધિકારીઓ મોડા પડે, કલાકારો મોડા પડે તો એ બધાની વેલ્યૂ ઘટવાના બદલે વધે છે. ભારતમાં નિયમ છેઃ જેટલા મોડા તેટલા મોટા. તમે માત્ર એક મિનિટ મોડા પડ્યા એમાં આટલા બધા દુઃખી થઈ ગયા?

અંબાલાલ અને મોંઘીભાભીની આ ચર્ચા ચાલુ હતી એમાં ચુનીલાલ ટપકી પડ્યો. એણે આખી વાત જાણી, ચર્ચાનો વિષય જાણ્યો અને પોતે પણ ચર્ચામાં જોડાયો. ચુનીલાલે કહ્યું કે હું જ્યારે ચૂંટણી લડતો હતો ત્યારે નશાબંધી ખાતા તરફથી લોકડાયરાનું આયોજન થયું હતું. લોકો નશો ન કરે તે માટે જનજાગૃતિ લાવવા માટે એક ગામડામાં ડાયરાનું ભવ્ય આયોજન થયું હતું. ગામડાના ચોરાના ચોકમાં હકડેઠઠ મેદની એકઠી થઈ હતી, પરંતુ અનિવાર્ય સંજોગોવશાત્ ડાયરો બંધ રાખવો પડ્યો.

કેમ? અંબાલાલને આશ્ચર્ય થયું.

‘કલાકારો એટલો બધો નાખી ગયા કે કોઈ નજીકના શહેરના સરકિટ હાઉસમાંથી ગામડે જ પહોંચી શક્યા નહીં.’ ચુનીલાલે ફોડલો ફોડ્યો.

‘નશાબંધીના કાર્યક્રમ માટે આવેલા કલાકારો વ્યસની હતા?’ મોંઘીભાભીને આશ્ચર્ય થયું.

‘હા’… માત્ર વ્યસની જ નહીં, પરંતુ બેફામ વ્યસની હતા. ચુની બોલ્યો.

ચુનીભાઈ હું તમારા માટે ચા લઈ આવું એમ કહીને મોંઘીભાભી રસોડામાં ગયાં.

‘ચુનીયા…તું આવ્યો તે સારું થયું.’ અંબાલાલે હળવેથી કહ્યું.

‘કેમ?’ નહીંતર…

‘નહીંતર મારંુ ઘર ભાંગવાની અણી પર હતું.’ અંબાલાલે હકીકત રજૂ કરી.

જો ભાઈ… પરદેશના દાખલા આપણા દેશમાં ન ચાલે… પરદેશમાં લોકોને મિનિટનો હિસાબ જ્યારે આપણે ત્યાં કલાકનો કોઈને હિસાબ નથી. આ મારો જ દાખલો લ્યો. હું કાલે અમદાવાદ જવા માટે નીકળ્યો. લીંબડી પાસે એક્સિડન્ટ થયો હતો. એમાં અડધો કલાક બગડી ગયો. રસ્તામાં ગાય-ભેંસ અને બકરાંનાં ત્રણ ધણ સામા મળ્યાં. એ રોડ ક્રોસ ન કરે ત્યાં સુધી આપણે ઊભા રહેવાનું. ત્રણ ધણમાં પંદર મિનિટ બીજી બગડી ગઈ. અડધે પહોંચ્યા તો તોફાની લોકો ટાયર સળગાવીને હાઈવે ચક્કાજામ કરીને બેઠા હતા. એમાં દોઢ કલાક બગડી ગયો. અમદાવાદનો રસ્તો બે કલાકનો હતો, પરંતુ અમે ચાર કલાકે પહોંચ્યા. આપણા દેશમાં સમયસર પહોંચવું આપણા હાથની વાત જ નથી અને તેથી પ્રજાને ટાઇમની કોઈ કિંમત નથી.

આપણે ત્યાં એક પણ કાર્યક્રમ સમયસર શરૃ જ થતો નથી, કારણ કે લોકોની માનસિકતા જ એવી છે કે સમય કરતાં એકાદ કલાક મોડા પહોંચવું. અંબાલાલે સૂર પુરાવ્યો.

અંબાલાલ અને ચુનીલાલે સમય પાલનની ચર્ચામાં ઘણો સમય બગાડ્યો. સવારના દસ વાગ્યે મેં અંબાલાલને ફોન કર્યો કે તમે ક્યાં પહોંચ્યા છો? આ સાંભળીને અંબાલાલ બોલ્યોઃ ક્યાંય પહોંચવાનું પણ હતું? મેં કહ્યું કે આપણે કાલે વાત થઈ કે ભોગીલાલના બાપાએ મોતિયો ઉતરાવ્યો છે અને આપણે સવારે દસ વાગ્યે એમની તબિયત પૂછવા જવાનું છે.

અરે રામ..રામ… એ તો સાવ મગજમાંથી નીકળી ગયું.

હું તને લેવા જ આવ્યો હતો, પણ સમયપાલનની વાતમાં જ મોડું થઈ ગયું. ચુનીલાલે કહ્યું.

મેં ફોનમાં કહ્યું કે કાંઈ વાંધો નહીં. એક વાર આપણે ચારે મિત્રો કારમાં ધ્યાનની ચર્ચા કરતા હતા અને ગફલતથી કાર ભૂંડ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ મેં કહ્યું હતું કે ધ્યાન ધરવા કરતાં ધ્યાન રાખવાની વધુ જરૃર છે.  એવી જ રીતે સમયપાલનની ચર્ચામાં સમય બગાડવાને બદલે સમયસર પહોંચવાની વધુ જરૃર છે. મેં ઝડપથી નીકળી જવાનું કહીને ફોન રાખી દીધો.

અમે દસના બલે અગિયાર વાગ્યે ભોગીલાલને ઘેર પહોંચ્યા. મેં જડીભાભીને પૂછયુંઃ ‘બાપુજી ઘરે આવી ગયા?લ્લ

‘ના… હજુ તો દવાખાનામાં જ છે. ભાભીએ કહ્યું.

કેમ? સવારે નવ વાગ્યે આવી જવાના હતા એના બદલે અગિયાર વાગ્યા.

દાક્તર હજુ આવ્યા નથી. એ આઠ વાગ્યે આવવાના હતા એ હજુ સુધી આવ્યા જ નથી. ભાભીએ ખુલાસો કર્યો.

અમે મોડા નહોતા પણ વહેલા હતા એ હવે સમજાયું. અમે ત્યાંથી ઊભા થઈ ચાની હોટલે આવ્યા. અમને થયું કે ચા-પાણી પીએ ત્યાં સુધીમાં બાપુજી પધારી જાય તો મળી લઈએ. અમે હોટલ પર ગયા તો ચા તૈયાર નહોતી. અમે કારણ પૂછયું તો જવાબ મળ્યો કે આજે દૂધ મોડું આવ્યું છે. હોટલવાળાએ દૂધ મોડું આવવાનું કારણ પૂછયું તો દૂધવાળો બોલ્યો કે આજે નળ મોડા આવ્યા હતા. નળમાં પાણી આવે પછી દૂધમાં પાણી નાખીએ અને પછી આપવા નીકળંુ છું.

આપણે ત્યાં આમ જ ચાલે…. ચુનીલાલે નિસાસો નાખ્યો.

નહીં ચુનીલાલ… આમ જ ચાલે એમ બોલીને જીવતાં રહીશું તો જીવનમાં કદી સુધારો થવાનો નથી. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના ઇન્ટરવ્યૂમાં પત્રકારે પૂછયું કે આપ એક સાવ સામાન્ય પરિવારમાંથી અમેરિકા જેવા દેશના પ્રમુખ થઈ શક્યા તેનું રહસ્ય શું છે? ત્યારે લિંકને પોતાના જીવનની સફળતાનું રહસ્ય માત્ર એક વાક્યમાં કહ્યું કે, ‘મારે જે જગ્યાએ જેટલા વાગ્યે પહોંચવાનું હોય ત્યાં કાયમ ૧પ મિનિટ વહેલો પહોંચ્યો છું.લ્લ

વાહ… એનો મતલબ એ થયો કે એ ક્યારેય મોડા પડ્યા હશે નહીં.

ના, એમનો એક ઓફિસર અવારનવાર મોડો પડતો હતો. લિંકને કારણ પૂછયું તો ઓફિસર બોલ્યો કે મારી ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે. તેથી ખોટો સમય બતાવે છે. આ સાંભળી લિંકન બોલ્યા કે તમે ઘડિયાળ બદલી નાખો નહીંતર મારે ઓફિસર બદલવો પડશે. મેં લિંકન પુરાણ પૂરું કર્યું.

આપણે ત્યાં બધું લોલમલોલ છે. ચુનીલાલે ફરી નિરાશા પ્રગટ કરી.

એક વાર મારે સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈ જવાનું હતું. મેલ સાંજે ૭-૦૦ વાગ્યે આવે છે. હું ૬-૦૦ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યાં મેલ આવી ગયો બોલો.

એક કલાક વહેલો? અંબાલાલને આશ્ચર્ય થયું.

તું સાંભળ તો ખરો… મેલ એક કલાક વહેલો નહોતો, પરંતુ આગળના દિવસનો મેલ ર૩ કલાક મોડો હતો. મેં જોક પૂરી કરી. મારી વાત સાંભળીને અંબાલાલ અને ચુનીલાલ ખડખડાટ હસી પડ્યા. અમારી કોઈ રમૂજ ઉપર ભાગ્યે જ હસતો હોટલિયો પણ આજે હસી પડ્યો.

ભોગીલાલના પિતાજીની રાહમાં અમારી હસી-મજાક ચાલુ હતી ત્યાં એક શબવાહિની નીકળી. શબવાહિનીમાં નનામી હતી. નનામીની આજુબાજુ મૃતકનાં અંગત સગાંઓ પણ શબવાહિનીમાં ઊભા બેઠા હતા. શબવાહિની પાછળ પચાસેક સ્કૂટર ઉપર ડાઘુઓ આવતા હતા. હવે કોઈ મરી જાય તો સ્મશાનયાત્રાના બદલે સ્કૂટરયાત્રા નીકળે છે.

મેં સ્કૂટરયાત્રા જોઈને મિત્રોને કહ્યું કે,

મૃત્યુ એક જ એવું છે જેમાં કોઈ એક સેકન્ડનો પણ વિલંબ કરી શકતું નથી. માણસનું ચાલે તો મરવામાં પણ મોડો પડે, પરંતુ એમાં ટાટા, બિરલા કે અંબાણી જેવા અમીરો પણ મોડા પડી શકતા નથી અને રાષ્ટ્રીય નેતાઓ પણ સમય આવે ત્યારે સમયસર મરણને શરણ થાય છે. લોકોને મૃત્યુનો ભય બતાવીને માલદાર બનેલા સંતો પણ મરવામાં મોડું કરી શકતા નથી.

‘તારી વાત સાવ સાચી છે. માણસે જો મરવામાં મોડું કરવું હોય તો એક રસ્તો છે.લ્લ ચુની બોલ્યો.

‘કયો રસ્તો સાહેબ?લ્લ હોટલવાળાને પણ રસ પડ્યો.

‘જીવનભર તમામ કામ સમયસર કરવાથી મરવામાં મોડું થઈ શકે.લ્લ મેં કહ્યું.

——————————–.

You might also like