ઓનલાઇન પેમેન્ટ કેટલું સુરક્ષિત? છેતરપિંડી થાય તો કોને અને ક્યાં કરશો ફરિયાદ?

નોટબંધી પછી લોકોને કેશની હાલાંકિ ભોગવવાનો વારો આવ્યો અને ઠેર ઠેર લોકોની લાઈનો માર્ગો પર ટ્રાફિક જામ કરી રહી છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા કેશલેશ અંર્થતંત્રનો જારશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. લોકોને હજી તો સરખી રીતે પોતાના ડેબિટકાર્ડનો ઉપયોગ એટીએમમાં કરતા આવડતો નથી.

ત્યાં ઇન્ટરનેટ અને મોબાઇલથી પૈસાની લેવડદેવડ કરતા જોવા એક દિવાસ્વપ્ન સમાન છે. ખરું કે લોકો મોબાઇલ વાપરતા શીખ્યા તેમ ધીમે ધીમે મોબાઈલથી લેવડદેવડ પણ કરતા થઈ જશે નહિતર કેશલેશ ટ્રાન્જેક્શન માટે ઠેર ઠેર કમીશન એજન્ટોનો રાફળો ફાટી નીકળે તો નવાઈ નહિ.

તમને જાણીને નવાઈ લાગશે કે કેન્દ્ર સરકાર એક તરફ કેશ વગરની લેવડદેવડ એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી લેવડદેવડ કરવા માટે લોકોને ઉત્તેજન આપી રહી છે પરંતુ કેશલેશ અર્થતંત્રમાં ગેરરિતિ અને ફ્રોડ સામે કોને ફરિયાદ અને ક્યા ફરિયાદ કરવી એ વિશે લોકોને કોઈ પણ રીતે માહિતગાર કરવામામ નથી આવી રહ્યા.

કેશલેશ ટ્રાન્જેકશન જો ફેલ જાય તો કેવી રીતે આ સમસ્યાને આંબવી? જો ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે અને તે સામેની પાર્ટીને ન પહોંચે તો કોને ફરિયાદ કરવી? કેટલા દિવસમાં સમસ્યાનો નીવેડો આવશે? શું કેશલેશ ટ્રાન્જેક્શન માટે કોઈ કોર્ટ કે ન્યાયાધીશની ગોઠવણ છે? આ બધા પ્રશ્નોના કોઈ જવાબ અત્યાસ સુધી કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યા નથી.

ખરું કે આવા કોઈ પણ કિસ્સામાં ફરિયાદ ઇ-વોલેટ કંપનીને જ કરવામાં આવશે. પરંતુ RBI દ્વારા આ વિશે કોઈ પણ ગાઇડલાઈન આપવામાં નથી આવી. ખરું કે આરબીઆઈ ત્રણ દિવસની મોહલત કંપનીને પૈસા પાછા આપવા માટે જણાવી રહી છે. પરંતુ, જો કંપની 3 દિવસની અંદર પૈસા ન આપે તો અથવા મોડું કરે તો તમારા કયા અધિકારો છે?

તેમને જાણીને એ પણ આશ્ચર્ય થશે કે કેશલેશ ટ્રાન્જેક્શનમાં કોઈ ફ્રોડ થાય અને તેની કંપ્લેન તમે નોંધાવી હોય તો એ તમારે ગ્રાહક સુરક્ષામાં જ નોંધાવવી પડે અને એમની પાસે પહેલેથી થોકબંધ ફરિયાદો છે. તો તમારી કંપ્લેનનો ક્યારે નીવેડો આવશે એ તો ભગવાન જ જાણે. બીજું કે કેશલેશ ટ્રાન્જેશનની ફરિયાદોને હાથ ધરવા માટે જે ગોઠવણ છે ત્યાં કોઈ ન્યાયાધીશ જ નથી!

એટલું જ નહિ, કેશલેશ ટ્રાન્જેક્શના કેટલાંક પોતાના પણ પડકારો છે કેશલેશ ટ્રાન્જેક્શન કરવું આમ જનતા માટે એટલું સરળ નથી જેટલું રોકડથી કામ પતાવવામાં આવે છે. કેશલેશ પેમેન્ટમાં લોકોને પૂરો વિશ્વાસ પણ નથી કેમ કે લોકો મોટા ભાગે જેને જોઈ શકે છે એને સ્વીકારવાની માનસિકતા ધરાવે છે. તેથી, ઇન્ટરેનટ પર ચપટી વગાડતા પૈસા ટ્રાન્ફર થઈ શકે છે એ વાત તેઓના ગળે ઉતારવી અઘરું છે.

તો હવે જોવાનું રહેશે કે કેશલેશ ટ્રાન્જેક્શનના થઈ રહેલા પ્રચાર-પ્રસારમાં કેન્દ્ર સરકાર કેટલી હદ સુધી લોકોની સમસ્યાઓના નિવારણ માટે જોગવાઈ કરે છે. કેશલેશ અર્થતંત્ર ગ્રામિણ વિસ્તારોમાં કેટલી હદે સફળ થશે એ પણ મહત્ત્વનું રહેશે. કેશલેશ અર્થતંત્ર સદંતર રીતે સમગ્ર દેશમાં અમલી બનવવામાં આવે તો શું એ સાર્થક થશે કે કેમ એ તો સમય જ બતાવશે.

You might also like