શું લોકોને ખરેખર સસ્તી જેનરિક દવા મળી રહેશે ખરી?

તાજેતરમાં જ વડા પ્રધાન મોદીએ એવો સંકેત આપ્યો હતો કે દેશમાં હવે એવુ કાનૂની માળખું બનાવવામાં આવશે કે જેમાં પ્રજાને બ્રાન્ડેડ દવાઓને બદલે સસ્તી જેનરિક દવાઓ મળતી થઈ શકે. હાલમાં જે દવાઓ મળે છે તે મોંધી હોવાથી કેટલાંક દર્દીઓ પૂરતી દવા લઈ શકતા નથી. તેથી લોકોને સસ્તી જેનરિક દવાઓ મળે તે માટે દરેક શહેરમાં જેનરિક દવાના સ્ટોર ખોલવાની સરકારે જાહેરાત કરી છે તે મુજબ અનેક શહેરોમાં આવા સ્ટોર ખૂલી પણ ગયા છે પરંતુ લોકોને ત્યાંથી પૂરતી દવાઓ મળતી ન હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. લોકો એવા એવા સવાલ કરી રહ્યા છે કે ખરેખર સરકારની જાહેરાત મુજબ લોકોને સસ્તી જેનરિક દવા મળી શકશે ખરી?

દેશમાં હાલ અનેક શહેરમા આવા સ્ટોર બની ગયા છે ત્યારે આ જેનરિક દવા શું છે ? તે અંગે જાણકારી મેળવવી જરૂરી છે. આ બાબત કોઈ પણ પ્રકારની દવાને આપવામાં આવેલા બિન માલિકપણા સાથે સરખાવવામાં આવે છે. તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન નકકી કરે છે. જેમકે પેરાસિટામોલ એક જેનરિક દવા છે. જ્યારે ક્રોસિન પણ આવી દવાની એક બ્રાન્ડ છે. પરંતુ વિવિધ દવાઓની કંપનીઓ તેને અલગ અલગ બ્રાન્ડ નેમથી બનાવી મનમાની કિંમતે વેચી રહી છે. વાસ્તવમાં આ દવાનું લેબલિંગ, ઉત્પાદન સંબંધી માહિતી, જાહેરાત અને અન્ય પ્રચાર સામગ્રી, દવા નિયમન અને વૈજ્ઞાનિક પત્રિકા અથવા સાહિત્યના નામના આધારમાં ઉપયોગ માટે વપરાય છે.

અનેક દેશમાં આવી દવાઓના નામ મોટા અક્ષરે છાપવાની સ્પષ્ટ જોગવાઈ છે. તો કેટલાંક દેશમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જેના કારણે જાહેરક્ષેત્રમાં ટ્રેડમાર્કના ઉપયોગ પર પ્રતિબંધ આવી ગયો છે. વિશ્વ આરોગ્ય સંગઠનની ૪૬મી વિશ્વ સ્વાસ્થ્ય સભાના પ્રસ્તાવ ૪૬.૧૯ મુજબ પણ લગભગ તમામ દવાઓને જેનરિક નામથી ઓળખવા અને વેચવાની વાત કરવામાં આવી હતી. પંરતુ દુઃખની વાત છે કે તેનો અમલ હજુ પૂરેપૂરો થઈ શક્યો નથી.
આપણા દેશમાં સામાન્ય રીતે ૭૦ થી ૮૦ પ્રકારની દવાઓ વ્યાપક રીતે વેચાઈ રહી છે. અને તે મોંઘા દરે વેચાઈ રહી છે. આવી દવાઓનાં ચલણ પાછળ કેટલાક તબીબોની પણ ભૂમિકા મહત્વની હોય છે. અમેરિકાના એહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાન્ડેડ દવાઓ જેનરિક દવાઓની સરખામણીએ ૧૦થી ૧૦૦ ગણા વધારે ભાવથી વેચાઈ રહી છે. ભારતમાં પહેલા બ્રાન્ડેડ દવાઓ પર ૧૫ ટકા ઉત્પાદન ખર્ચ લેવામાં આવતો હતો. જ્યારે જેનરિક દવાઓ પર આવો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

દવા બનાવતી કંપનીઓ મોટાભાગે રિસર્ચના નામે બ્રાન્ડ નેમથી દવા વેચવાની આડમાં મોટો નફો કમાય છે. મોટાભાગની બહુરાષ્ટ્રીય દવા કંપનીઓ ગુણવત્તા અને શોધના નામે જણાવે છે કે ગંભીર બીમારીના ઈલાજ માટે તેમની દવાનો જ ઉપયોગ કરવો જોઈએ. તેના કારણે કેટલાક લોકો ભરમાઈ જતા હોય છે. તેથી કેટલાક લોકોના મનમાં એવા સવાલ થતા હોય છે કે જેનરિક દવાની સરખામણીએ બ્રાન્ડેડ દવાઓ વધુ અસરકારક હોતી હશે. પંરતુ વાસ્તવમાં આવું કંઈ જ નથી.

કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીને દવા બનાવવામા ફાર્માકોપિયોમાં દર્શાવવામાં આવેલી ગુણવતા અને માપદંડનું પાલન કરવાનું જરૂરી હોય છે. પછી તે દવા જેનરિક હોય કે બ્રાન્ડેડ. એક સર્વેમાં જણાવ્યા અનુસાર ભારતમાં દર વર્ષે ૩.૯ કરોડ લોકો ખરાબ સ્વાસ્થ્ય અને મોંધી દવાના કારણે ઉપચાર કરાવવાના કારણે ગરીબી રેખા નીચે પહોંચી જાય છે. ગ્રામીણ ભારતમાં આ આંકડો શહેરી લોકોની સરખામણીએ ૪૦ ટકા વધુ છે. તેમાં જણાવાયું છે કે ૪૭ ટકા લોકોને મોંઘી સારવારના કારણે તેમની સંપતિ વેચવી પડી છે અથવા તો તેને ગિરવે મૂકવાની ફરજ પડી છે. આમ દેશમાં આ અેક સમસ્યા છે.

http://sambhaavnews.com/

You might also like