કેરીનો રસ, આઇસક્રીમ, શરબતની ગુણવત્તા માટે આરોગ્યતંત્રના ભરોસે રહેશો નહીં

શહેરમાં ધોમધોખતા તાપના કારણે અમદાવાદીઓ લૂથી બચવા ઠંડાં પાણી, આઇસક્રીમ, મેંગો મિલ્ક શેક વગેરેનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. ઠેર ઠેર શરબત અને બરફના ગોળાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સિકંજીનું પણ વેચાણ વધ્યું છે. આ સંજોગોમાં લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે ભેળસેળખોરો સામે તંત્રે કડક કાર્યવાહી કરવાની હોય છે. તેમ છતાં આશ્ચર્યજનક રીતે ઉનાળાની સિઝનમાં સત્તાવાળાઓ ભેળસેળખોર વેપારીઓ કે ધંધાર્થીઓને છાવરતા હોય તેમ આઇસક્રીમ, મેંગો મિલ્ક શેક વગેરેના માત્ર ‘ટોકન’ નમૂના લઇને કર્તવ્યની ઇતિશ્રી કરે છે.

ઉનાળામાં ફળોનો રાજા ગણાતા કેરીને કૃત્રિમ રીતે પકવીને તેને સીધેસીધી ગ્રાહકો સુધી પહોંચાડનારા નફાખોરો કેલ્શિયમ કાર્બાઇડ જેવાં કેમિકલનો છૂટથી ઉપયોગ કરે છે. આ કેલ્શિયમ કાર્બાઇડ કાયદાકીય રીતે પ્રતિબંધત હોવા છતાં હેલ્થ વિભાગ અગમ્ય કારણસર આના ઉપયોગકર્તાઓ સામે નરમાશથી કામ લઇ રહ્યું છે. ગયા ઉનાળાની સિઝનમાં હેલ્થ વિભાગની ફલાઇંગ સ્કવોડે એક પણ ગ્રામ કેલ્શિયમ કાર્બાઇડ ન પકડતાં મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાઇ ગયું હતું.

ગયા ઉનાળાની સિઝનમાં તંત્રની કામગીરી પર એક નજર નાખતાં મસાલાના લેવાયેલા કુલ ૮પ નમૂના પૈકી ૯ પેક અને ૭૬ લુઝ નમૂના હતા અને માત્ર એક નમૂનો ફેલ નિવડ્યો હતો. મેંગો મિલ્ક શેકના કુલ ર૭ નમૂના પૈકી તમામ લુઝ હતા અને તેમાંથી ત્રણ નમૂના ફેલ જાહેર થયા હતા. કેરીના રસના બે લુઝ નમૂના પૈકી એક ફેલ, શેરડીના રસનો લેવાયેલો એકમાત્ર નમૂના ફેલ, શરબતના કુલ ત્રણ નમૂના પૈકી ત્રણે પેક હોઇ તેમાંથી એક નમૂનો ફેલ નિવડ્યો હતો. આમ કેરીના રસની ‘અશુદ્ધતા’ કે શેરડીના રસની ‘ગંદકી’ સામે તંત્ર આંખ આંડા કાન કર્યા હતા.

તંત્ર દ્વારા આઇસક્રીમ-કેન્ડીના દશ નમૂના લેવાયા હતા. આ તમામ લુઝ નમૂના હતા અને સઘળા પ્રમાણિત જાહેર થયા હતા. પેકેજડ-ડ્રિન્કિંગ વોટરના કુલ દશ નમૂના પૈકી પણ તમામ નમૂના પ્રમાણિત જાહેર થયા હતા. શહેરીજનોને સારી ગુણવત્તાનો આઇસક્રીમ સ્ટાન્ડર્ડ કંપનીનો જ મળતો હોય છે, તે બાબત જાણીતી હોવા છતાં તંત્રની આઇસક્રીમની ભેળસેળ તપાસવાની કામગીરી ‘ઓનપેપર’ રહી હતી. બરફના ગોળાનો તો એકપણ નમૂનો લેવાયો ન હતો.

દૂધના કુલ ૪૬ નમૂના પૈકી ૪૧ લુઝ હતા અને મ્યુનિસિપલ લેબમાં ફક્ત પાંચ નમૂનાને અપ્રમાણિત જાહેર કરાયા હતા એટલે કે લુઝ દૂધમાં પાણીની કરાતી ભેળસેળ પણ લેબમાં પકડાઇ નહતી. દૂધની બનાવટના ૩ર લુઝ નમૂના પૈકી સઘળા નમૂનાને મ્યુનિસિપલ લેબમાં પ્રમાણિત જાહેર કરાયા હતા! એટલે કે લસ્સી, છાશ વગેરેમાં કોઇ ભેળસેળ કરાઇ ન હતી!

આ પ્રકારે ગત ઉનાળાની સિઝનમાં શહેરભરમાંથી તંત્ર કુલ ૩૦૬ નમૂના લઇને તેને નવરંગપુરા સ્થિત મ્યુનિસિપલ લેબમાં તપાસ માટે મોકલાયા હતા. જે પૈકી લેબમાં ફકત ર૮ નમૂના અપ્રમાણિત અને તેમાં પણ મોટાભાગના મિસ બ્રાન્ડેડ કે સબ સ્ટાન્ડર્ડના હતા. એક પણ નમૂનાે ‘અનસેફ’ જાહેર થયો ન હતો એટલે લેબની કામગીરી પણ વિવાદોમાં રહી છે.

દરમિયાન મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા આ ઉનાળાની સિઝનમાં આઇસ્ક્રીમ, મેંગોશેક, ઠંડાપીણાં તેમજ પાણીના કુલ ૩૧ નમૂના લેવાયા છે. આ ઉપરાંત ઇથિલિનની ૪૦૦ પડીકી જપ્ત કરાઈ હતી. જોકે હજુ સુધી કેલ્શિયમ કાર્બાઇડના મામલે તંત્ર હરકતમાં આવ્યું નથી.

You might also like