બાંગ્લાદેશના ક્રિકેટરનો બળાપો, અમે ક્રિકેટર છીએ કોઇ ભિખારી નથી

મીરપુર: બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઇકબાલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ઉપર પોતાના પેરેન્ટ્સને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. ચિટગાંવ વાઇકિંગ્સ અને સિલહટ સુપર સ્ટાર વચ્ચે રમાયેલ મેચ દરમિયાન આ બનાવ બન્યો હતો. બાંગ્લાદેશના ઓપનરે વાત કરતા જણાવ્યુ કે, “લોકોએ પોતાના દેશ માટે રમનારા ક્રિકેટરોનું સન્માન કરવુ જોઇએ, લોકો પાસે પૈસા છે તેનો અર્થ એ નથી કે અમને કોઇ ભિખારી સમજે, તેઓએ અમને સન્માન આપવુ જોઇએ, અમે અહી ક્રિકેટ રમવા માટે આવ્યા છીએ. હું અહી એટલા માટે નથી આવ્યો કે તેઓ મારા માતા પિતા અને મારા પરિવારને અપમાનિત કરે.”

તમીમ ઇકબાલે વધુમાં જણાવ્યુ કે, “મે તેમને સન્માન આપતા સર કહ્યું, તેમની સામે ઉભો થઇને પોતાની વાત કરી પરંતુ તેઓએ મારા પરિવારને અપમાનિત કર્યો.” મામલાની શરૂઆત મેચ પહેલા થઇ હતી. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો નિર્ધારીત સમય કરતા એક કલાક મોડો શરૂ થયો હતો. ટૂર્નામેન્ટના નિયમ અનુસાર દરેક ટીમમાં 4 વિદેશી ખેલાડી હોવા જોઇએ પરંતુ સિલહટની ટીમમાં બે જ ખેલાડી હતા. જો કે તેમની ટીમમાં નિયમ અનુસાર ખેલાડી ચાર હતા પરંતુ બે વિદેશી ખેલાડીઓને પોતાના બોર્ડ તરફથી એનઓસી મળ્યુ નહતું. જેને કારણે ટીમને લઇને અનોખી સ્થિતિ જોવા મળી હતી. ટીમ અને ફ્રેન્ચાઇઝી વચ્ચે વાતચિત ચાલતી રહી અને તમીમ ત્યાંથી નીકળી ગયો, જે બાદ આ આખો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ તમીમ ઇકબાલે ટ્વીટરનો સહારો લીધો અને પોતાની વાત લોકો સામે મુકી હતી.

You might also like