ઓફિસમાં સતત આઠ કલાક બેસી ન રહો

ઓફિસમાં કામના કલાકો દરમિયાન બેસી રહેતા લોકો માત્ર આપણા દેશમાં નહીં, પરંતુ વિદેશમાં પણ છે. આ લોકો વિશે ઘણાં રિસર્ચ ચાલી રહ્યાં છે. કામને લીધે થતા હેલ્થ પ્રોબ્લેમ્સને પ્રોફેશનલ હેઝાર્ડ નામ આપવામાં આવ્યું છે. વિદેશમાં કોઇ પણ પ્રકારના હેલ્થ પ્રોબ્લેમથી બચવા સરકાર સમયાંતરે મેડિકલ ગાઇડલાઇન્સ બહાર પાડે છે તેમાં થોડા થોડા સમયે ફેરફારો પણ થતા રહે છે. બ્રિટનમાં થોડા સમય પહેલાં બહાર પાડેલી એક ગાઇડલાઇન મુજબ ઓફિસમાં આઠ કલાક બેસીને કામ કરતા લોકોને બે કલાક ઊભા રહીને કામ કરવાની સલાહ આપવામાં આવી છે. બે કલાકથી ઊભા રહેવાની શરૃઆત કરવી અને તે ચાર કલાક સુધી લઇ જવી. ત્યાં તો કર્મચારીઓ માટે ઊભાઊભા કામ કરી શકાય તેવા ટેબલની પણ વ્યવસ્થા કરાઇ છે. આ ગાઇડલાઇનમાં એવું કહેવાયું છે કે દિવસ દરમ્યાન સતત બેસી રહેવાના કારણે ઘણાં હેલ્થ પ્રોબ્લેમ થઇ શકે છે.

ભૂમિકા ત્રિવેદી

કેવી સમસ્યાઓ થઈ શકે?
* ખરાબ પોશ્ચરના લીધે અને ડેસ્ક પર કામ કરતા મોટાભાગના લોકોને સ્પોન્ડિલાઇટીસની સમસ્યા થાય છે. આ કરોડરજ્જુનો પ્રોબ્લેમ છે. મોટાભાગના ડેસ્ક જોબ કરનારા લોકોને કમરથી નીચેનો ભાગ સતત દુખતો હોય છે. સતત બેસવાના કારણે પીઠ અને કમર પરના સ્નાયુ ખૂબ નબળા પડી જાય છે. ખૂબ ઝડપથી મસલ્સ ઇન્જરી થઇ શકે છે.

* ઓર્થોપેડિક સર્જ્યન ડૉક્ટર કુંતલ ગજ્જર કહે છે કે, “સતત એકની એક પોઝિશનમાં બેસી રહેવાથી પોશ્ચરલ પેઇન થઇ કે છે. જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે સૌથી વધુ વજન કમરથી નીચે કરોડરજ્જુના ભાગ પર આવે છે. તમે સીધા ને વ્યવસ્થિત પોશ્ચરમાં બેસો તો પ્રોબ્લેમ થાય છે. જો તમારું પોશ્ચર ખરાબ હોય તો સમસ્યા વધે છે.”

* આ ઉપરાંત સતત બેસી રહેવાના કારણે તમે ખૂંધા થતા જાવ છો. આંખો ખરાબ થાય છે અને પેટ પણ વધે છે.

* મોબાઇલના લીધે પણ પોશ્ચર પેઇન થાય છે. સતત નીચું જોતા રહેવાના કારણે આપણે મંકી પોશ્ચરમાં પાછા જવા લાગ્યા છીએ.

* સતત બેસી રહેવાથી હાર્ટની બીમારી ઉપરાંત ઓબેસિટી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારીનું રિસ્ક પણ રહેલું છે.

શું ધ્યાન રાખવું?
* ઓફિસમાં તમારું ટેબલ, ખુરશી અને કમ્પ્યૂટરનું લેવલ તમારી ઊંચાઈને અનુરૃપ હોવાં જોઇએ તો જ તમારું પોશ્ચર યોગ્ય રીતે જળવાશે.

* ઓફિસમાં જે કામ ઊભાઊભા થઇ શકે એમ હોય તે ઊભાઊભા જ કરો.

* દર એક કલાકે એક બ્રેક લો અને ૧૦ મિનિટ ચાલો.

* ઓફિસવર્ક જ કરવાનું રહેતું હોય તો દિવસ દરમિયાન ઓછામાં ઓછી ૧૫ ૨૦ મિનિટ એક્સરસાઇઝ કરો.

You might also like