ન બોલ્યામાં નવ ગુણ, બોલ્યે બગડી જાય; મૌન તણો મહિમા ઘણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય

અવંતિ નગરીમાં ચાર વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ-જપ-વ્રતમાં સૌથી આગળ રહે. મહિના મહિનાના ઉપવાસ કરે. પાંચ પાંચ વર્ષનાં ધારણાં-પારણાં કરે. એમ કરતાં એ સિત્તેર વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ પાંચ ડગલાં ચાલી શકે.

એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે.શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહિ. છતાંય બ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો, તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો.

સ્નાન કરી, વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા.  સીધો પડ્યો પથારીમાં, થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુનાં દર્શન થયાં.

પ્રભુ બોલ્યા : “હે ભક્ત ! તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તૂટવા ન દીધો તેથી હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ? તારું વ્રત તૂટશે, તારો સંકલ્પ તૂટશે; તેથી તું દોષમાં પડીશ. હે વત્સ ! તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું.

હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતાં મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે.

માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી. આયુષ્ય પૂર્ણ થતાં બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો.

આમ, એકટાણાં કરવા છતાં મૌનવ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું.  શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌનવ્રતના ફળથી ઈન્દ્રરાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો.
ન બોલ્યામાં નવ ગુણ,
બોલ્યે બગડી જાય;
મૌન તણો મહિમા ઘણો,
પુરુષોત્તમ પ્રસન્ન થાય.•

You might also like