ગુજરાત વિધાનસભાની વેબસાઈટ પર ‘ગુજરાતી’ ભાષા અવાચ્ય

અમદાવાદ: હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે. વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેન, એસોસિયેશન, વેપારીઓ સહિતનો શિક્ષિતવર્ગ વિધાનસભામાં રજૂ થયેલા બજેટનો ઝીણવટથી અભ્યાસ કરવા માટે આતુર રહે છે.

ગુજરાત વિધાનસભાની વેબસાઈટમાં જો ગુજરાતીમાં વિધાનસભા અંગેની કોઈપણ બાબત જોવી હોય તો ફરજિયાતપણે અંગ્રેજીમાં જ જોવી પડશે. કારણ કે અંગ્રેજી અને ગુજરાતી બે વિકલ્પમાં જો કોઈ ગુજરાતી ભાષામાં વેબસાઈટ જોવાનો વિકલ્પ પસંદ કરે તો સૌપ્રથમ ફોન્ટ ડાઉનલોડ કરવાની સૂચના આવશે અને ફોન્ટ ડાઉનલોડ કર્યા બાદ વિચિત્ર ફોન્ટ દેખાય છે. હાલમાં વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું હોવા છતાં વિધાનસભાની વેબસાઈટ પર વહીવટીતંત્રનું ધ્યાન ગયું નથી.

વિધાનસભાની વેબસાઈટ પર ગવર્નર, સ્પીકર, મુખ્યપ્રધાન, વિરોધ પક્ષના નેતા, ડેપ્યુટી સ્પીકર, વિધાનસભ્યોનું લિસ્ટ, મહિલા ધારાસભ્યોની યાદી, રાજ્યસભાના સદસ્યો, લોકસભાના સાંસદની યાદી, મંત્રીમંડળની વિગતો આ જ પ્રમાણેના પૂર્વ હોદ્દેદારો વિધાનસભાની કામગીરી, બજેટ, પ્રપોઝલ, પ્રશ્નો, કમિટીની વિગતો, સચિવાયલની માહિતી ઉપરાંત ધારાસભ્યોની ઈ-મેઈલ ડિરેકટરી, વિડિયો લાઇબ્રેરી, ફોટો ગેલેરી, કોન્ટેક નંબર આટલું જ નહીં ધારાસભ્યોને મળતી સવલતો સહિત ભરપૂર માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે પરંતુ તે માત્ર અંગ્રેજીમાં જ સરળતાથી જોઈ શકાય છે.

ડાઉનલોડ કરી શકાય છે. પ્રિન્ટ કાઢી શકાય છે, પરંતુ ગુજરાતીની વિધાનસભાની માહિતી માતૃભાષામાં મેળવવી એ લોકોની પહેલી પસંદગી રહે છે. એટલું જ નહીં દરેકનું ઈંગ્લિશ વિષયનું જ્ઞાન પૂરતું હોય તે જરૂરી નથી તેમના માટે ગુજરાતી ભાષામાં વેબસાઈટ પર માહિતી નહીં હોવી મુશ્કેલીભરી બની રહે છે. આ અંગે વિભાનસભા સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે ચોક્કસ જોઈને કહીશ એવું હશે તો તાત્કાલિક તેને સુધારવાની સૂચના આપીશું.

You might also like