BRTSના 350 જેટલા સિક્યોરીટી ગાર્ડને સમયસર પગાર ચૂકવાતો નથી

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ બીઆરટીએસ પ્રોજેક્ટમાં ઇ-બસ અને ઇ-રિક્ષા પ્રાયોગિક ધોરણે દોડાવાઇ રહી છે. બીઆરટીએસ કોરિડોરમાં વધુને વધુ ઇ-બસ અને ઇ-રિક્ષા દોડાવવા માટે તંત્ર પ્રયત્નશીલ બન્યું છે. જોકે કોરિડોરમાં અન્ય ખાનગી વાહનોને પ્રવેશતા રોકવા માટે ઠંડી, ગરમી કે વરસાદ જોયા વગર દોરડું ઝાલીને ઊભા રહેનારા સિક્યોરિટી ગાર્ડની સદંતર ઉપેક્ષા કરાઇ રહી છે.

આ સિક્યોરિટી ગાર્ડને સમયસર પગાર ચૂકવાતો નથી. મોટાભાગના સિક્યોરિટી ગાર્ડ નબળી આર્થિક સ્થિતિના હોઇ સામી હોળીએ હજુ પગાર ન થતાં લાચારીમાં મુકાયા છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની સ્થાવર મિલકતો કે જેમાં ખમાસા દાણીપીઠનું મુખ્યાલય, ઝોનલ ઓફિસ, વોર્ડ ઓફિસ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર અને સુએઝ પમ્પિંગ સ્ટેશન, હોસ્પિટલ, શાળા, રિવફ્રન્ટ વગેરેનો સમાવેશ થાય છે તેની સલામતી પાછળ દર વર્ષે મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. તંત્ર દ્વારા જે તે સિક્યોરિટી એજન્સીને નિયત સમયમર્યાદા માટે નિયત સિક્યોરિટી ગાર્ડની નિમણૂક માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાય છે. જો કે આ સિક્યોરીટી એજન્સીમાં અનેક પ્રકારની ગેરરીતિ અવારનવાર પ્રકાશમાં આવતી હોઇ લાંબા સમયથી સિક્યોરિટી એજન્સીનું કામકાજ વિવાદાસ્પદ બન્યું છે.

બીઆરટીએસ પ્રોજેક્ટમાં પણ સિક્યોરિટી એજન્સી ડોક્સનની વિવાદાસ્પદ કામગીરી છે. આ એજન્સી દ્વારા જે તે બસ સ્ટેશનની સલામતી ઉપરાંત કોરિડોરમાં અન્ય ખાનગી વાહન ન ઘૂસે તે માટે દોરડું ઝાલીને ઊભા રહેવું તેમજ બીઆરટીએસ બસમાંથી ઊતરતા પેસેન્જરની ટિકિટ જમા કરવી. જેવી ફરજ સાથે સંકળાયેલા સિક્યોરિટી ગાર્ડને ક્યારેય નિયમિત પગાર તો ચૂકવાતો નથી પરંતુ તેમનું આર્થિક શોષણ પણ બેધડક થઇ રહ્યું છે.

આશરે ૩પ૦ જેટલા સિક્યોરિટી ગાર્ડને સિક્યોરિટી એજન્સી માત્ર કાગળ પર દર મહિને રૂ.૮૦૦૦નો પગાર બતાવીને હાથમાં ફક્ત રૂ.ચારથી છ હજાર ચૂકવીને દિવસના બાર-બાર કલાક સુધી તનતોડ પરિશ્રમ કરાવતા હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. જો કે આ અંગે બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીને પૂછતાં તેઆે કહે છે આ મારો વિષય નથી તમે મૂકેશ પટેલને પૂછો જ્યારે બીઆરટીએસના ઓપરેશન વિભાગના મુખ્ય અધિકારી મૂકેશ પટેલનો સંપર્ક થઇ શકતો નથી.

You might also like