મુદ્દત પે નહિ આના વરના તેરા બુરા હાલ કર દેંગે!

અમદાવાદ: અડાલજના અદાણી શાંતિગ્રામમાં રહેતી યુવતીને તેના પૂર્વ મંગેતર દ્વારા ધમકી અપાઇ હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતી નોકરી પરથી રિક્ષામાં ઘરે જતી હતી ત્યારે પૂર્વ મંગેતરે કોઈ અજાણી વ્યક્તિને મોકલી ‘મુદ્દત પે નહિ આના વરના તેરા બુરા હાલ કરદેંગે, યે ધાર્મિક કા પ્યાર સમજો યા નફરત!’તેમ કહી ધમકી આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે અડાલજના અદાણી શાંતિગ્રામમાં સુચિસ્મિતા રોલ (ઉ.વ.ર૭) તેની મિત્ર સાથે રહે છે. સુચિસ્મિતા એસ.જી. હાઈવે પર આવેલી કંપનીમાં નોકરી કરે છે. ર૦૧૬માં સુચિસ્મિતાએ શાદીડોટકોમ વેબસાઈટ પર લગ્ન માટે પોતાની પ્રોફાઈલ મૂકી હતી.

વેબસાઈટ પર બોપલમાં આવેલ શુભ રે‌સિડેન્સી બંગલોઝમાં રહેતા ધાર્મિક ઠક્કર તરફથી લગ્ન માટે પ્રપોઝલ મળી હતી. બંને એકબીજાને પસંદ આવતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. દરમ્યાનમાં સુચિસ્મિતાને જાણ થઇ હતી કે ધાર્મિક અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ ધરાવે છે, જેથી તેણે ધાર્મિક સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

ધાર્મિકે સુચિસ્મિતા પાસેથી રોકડ અને દાગીના લઇ લીધા હોવાથી એપ્રિલ-ર૦૧૭માં તેણે ધાર્મિક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેનો હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે.

મંગળવારે રાતે સુચિસ્મિતા રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી. આશ્રમરોડ પર પંજાબ નેશનલ બેન્ક પાસે ટ્રાફિકમાં રિક્ષા ધીમી થઇ ત્યારે નંબર પ્લેટ વગરના એક્ટિવા પર અજાણી વ્યક્તિ આવી હતી અને ‘મુદ્દત પે નહિ આના વરના તેરા બુરા હાલ કરદેંગે, યે ધાર્મિક કા પ્યાર સમજો યા નફરત!’ તેમ કહી ધમકી આપી ફરાર થઇ ગઇ હતી. ધાર્મિકે અજાણી વ્યક્તિને મોકલીને ધમકી આપતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like