બાળકોનું નામ પાડતી વખતે આ ભૂલો ન કરો, નહીં તો..

બાળકના આવતાની સાથે જ પરિવારમાં આનંદનો એક નવો માહોલ ઉભો થાય છે. પરિવારમાં ખુશી ફેલાઈ જાય છે. લોકો બાળકને જાતભાતના નામથી બોલાવવા પણ લાગે છે. જો કે બાળકનું નામ રાખવામાં માતા પિતાને સૌથી વધુ મુશ્કેલી ઉભી થાય છે.

બાળકનું નામ જ આગળ જતા તેની ઓળખ બની જતું હોય છે, તેથી નામ રાખવામાં ખાસ માતા પિતા સાવચેત રહેતા હોય છે. જો કે ઘણીવાર બાળકના નામ એવા રાખવામાં આવતા હોય છે, જેના કારણે લોકોને બોલવામાં પણ તકલીફ પડતી હોય છે. તો, આવો આપણે કેટલીક વાતોને નામ પાડતી વખતે ધ્યાનમાં રાખીએ.

1) જગ્યાના નામ પરથી નામ ના રાખો
કેટલાક લોકો પોતાના બાળકનું નામ ખાસ શહેર કે જગ્યાના નામ પરથી રાખતા હોય છે. જેમાં બાળકોને બાદમાં મુશ્કેલી થાય છે. કેટલાક લોકો બાળકોના નામ આગ્રા, કન્નોજ કે મથુરા એવા પણ રાખતા હોય છે.

2) કઠિન પડે તેવું નામ ના રાખો
બાળકોના નામ એવા રાખો જે બોલવામાં સૌને સરળ પડે. ઘણીવાર નામનું ઉચ્ચારણ એટલું બધું અઘરું હોય છે કે લોકો તે નામથી બોલાવવાની જગ્યાએ પોતાની રીતે જ ટૂ્ંકું નામ પાડી દેતા હોય છે અને તેને પોતાના અસલી નામથી બોલાવતા જ નથી. જેથી બાળકોના નામ સરળ રીતે બોલી શકાય તેવી જ રાખવા જોઈએ.

3) શબ્દોનો કંઈક અર્થ હોવો જોઈએ
બાળકોના નામ એવા પાડવા જોઈએ જેનો કંઈક અર્થ થતો હોય. ઘણા લોકો યુનિક નામ રાખવાના ચક્કરમાં એવું નામ રાખતા હોય છે, જેનો કોઈ જ અર્થ થતો હોતો નથી. અટપટું નામ હોવાના કારણે ક્યારેક બાળકની મજાક પણ લોકો ઉડાવતા હોય છે.

4) હાસ્યાસ્પદ નામ ના રાખો
ચાંદ, સૂરજ, ચમેલી, કચરાભાઈ, ચંપા જેવા હાસ્યાસ્પદ નામ ન રાખવા. માતા પિતા ઈચ્છે તો પોતાના બાળકને લાડથી ઘરમાં બોલાવી શકે છે, પરંતુ ઘરની બહાર લોકો બાળકની મજાક ઉડાવી શકે છે.

5) દેવી દેવતાઓના નામ પર ના રાખો
કેટલાક લોકોને પોતાના બાળકનું નામ પરમેશ્વર, ઈશ્વર, હરિ, વેદ, ભગવાન, રામ, ભગવતી, દેવી, ઓમ, મહાદેવ, ઈશુ પણ રાખતા હોય છે. આ પ્રકારના નામ લોકોની આસ્થા સાથે જોડાયેલા હોય છે, તેથી ક્યારેક કોઈ ન કામના હોય ત્યાં પણ આવા નામ વાપરવા પડી શકે છે, તેથી બને તો ભગવાનના નામે બાળકના નામ ન રાખો.

6) લાંબુ નામ ના રાખો
બાળકોનું નામ માત્ર 2 અક્ષર કે વધુમાં વધુ 4 અક્ષર સુધીનું રાખો. જેથી બોલવામાં સરળતા રહે. નાનું નામ બોલવામાં ખૂબ ક્યૂટ પણ લાગે છે.

7) ઘરના વડીલો પર ના રાખો
કેટલીક વાર લોકો પોતાના બાળકનું નામ પોતાના જ ઘરના વડીલોના કે પૂર્વજોના નામ પરથી રાખવાનું પસંદ કરતા હોય છે. કેટલીક વાર બાળકોને આવા નામ જૂનવાણી ટાઈપના લાગતા હોય છે. એવામાં બાળકો આગળ જતા પોતાનું નામ બદલવાની જીદ કરી શકે છે.

You might also like