અંતરમનમાંથી શ્રદ્ધાને ક્યારેય જાકારો ન આપો

આવતી કાલની વધુ પડતી ચિંતા એ આજના માણસનો એક રીતસરનો વળગાડ બની ગઈ છે. માણસ દાક્તર હોય, વૈજ્ઞાનિક હોય, અધિકારી હોય, ગમે તે હોય, જિંદગીથી ડગલે ને પગલે તે ડરીને ચાલે છે. પોતાની શંકાઓ, પોતાનો ડર અકારણ છે, તે વાત તેને ગળે ઊતરતી જ નથી. એ પૃથક્કરણ કરવા બેસે તો તેને પોતાની શંકાઓ, ભીતિઓ પાયા વિનાની લાગ્યા વગર ન રહે. એક શ્રીમંત માતાપિતાનો પુત્ર મુંબઈ ગયો છે. ત્રણ-ચાર દિવસથી તેનાં કંઈ ખબરઅંતર નથી. જાતજાતની કુશંકાઓમાં માતાપિતા પોતાના મનને ડુબાડ્યા જ કરે છે. મુંબઈ પહોંચ્યો જ નહીં હોય?

શ્રીમંત માબાપ તાર ટેલિફોન કરે છે ને છેવટે તેમને ખબર પડે કે તેમણે ધારેલું એવું કશું જ અનિષ્ટ બન્યું નથી અને પુત્ર ક્ષેમકુશળ છે ત્યારે તેમને અનહદ આનંદ અને રાહત થાય છે. છતાં તેમને એવો વિચાર આવતો નથી કે આપણે આવા નકારાત્મક વિચારો કેમ કર્યા? આપણને જિંદગીના શુભ-મંગલ અંશોમાં કેમ શ્રદ્ધા નથી? શા માટે વિના કારણ આટલી બધી વેદના આપણે વેંઢારીએ છીએ? આફત આવી ન હોય છતાં આફતની કલ્પના કરીને શા માટે ખરેખરી આફતના જેવું જ દુઃખ વહોરી લઈએ છીએ?

આ વાત કાંઈ શ્રીમંત માબાપ પૂરતી મર્યાદિત નથી. તમે જેમ જેમ લોકોને મળશો તેમ તેમ તમને લાગશે કે મોટા ભાગના લોકો દુઃખ ન હોય તો પણ કલ્પના કરીને તેની ભૂતાવળ ઊભી કરે છે. બેધડક અને શ્રદ્ધાપૂર્વક જિંદગીનો મુકાબલો કરવાનું ખમીર તેમણે ખોઈ નાખ્યું છે. ડગલે ને પગલે કલ્પિત ભયથી તેઓ ડર્યા કરે છે. શંકા અને ભય માનસિક રોગનું મૂળ લઈને એમના જીવનમાં ઊંડી જડ ઘાલી બેઠાંં હોય છે.

પોતાનાં સંતાનો વિશે, સગાંવહાલાં વિશે, મિત્રો વિશે અશુભ કલ્પનાઓ કરી માણસો દુઃખી થાય છે. આ પોતાનો ભ્રમ જ હતો એવું લાગે ત્યારે પોતાની જાતની ઊલટતપાસ લેવાને બદલે તેમના પ્રીતિપાત્રને ઠપકો આપે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છેઃ બાળકો જન્મે છે તેનો અર્થ એમ કે હજુ ઈશ્વરે માણસમાં શ્રદ્ધા ખોઈ નથી. જિંદગીમાં તમે બધું ખોઈ બેસો તો પણ તમે શુભમાં શ્રદ્ધા ખોઈ નહીં હોય તો તમને જીવન ઝેર જેવું નહીં લાગે. શુભમાં શ્રદ્ધા નહીં હોય તો બધી જ સંપત્તિ ને સફળતા હાજર હોવા છતાં, જિંદગી તમને રિબાવ્યા કરશે. માણસ બહાર પણ જીવે છે અને માણસ પોતાની અંદર પણ જીવે છે. બહારના જીવન માટે સુખ-સગવડનું મહત્ત્વ હશે, તેનાથી તેને આનંદ-સંતોષ મળતાં હશે, પણ માણસ પોતાના મનની અંદર જીવે છે ત્યાં તેને પોતાની ચેતનાનું માછલું શ્રદ્ધાના માઠા જળમાં જ રાખવું પડે છે.

એક ચિંતકે ઠીક કહ્યું છેઃ જ્યારે તમને બધું જ તમારી વિરુદ્ધ જતું લાગે ત્યારે પણ તમે ડગી જશો નહીં, સંભવ છે કે ત્યાંથી જ દુર્ભાગ્યનો અંત અને સદ્‌ભાગ્યનો આરંભ થઈ રહ્યો હોય. લોકો મોટે ભાગે મેદાનમાં હારી ગયેલા હોતા નથી પણ તેઓ પોતાના મનના મેદાનમાં જ હારીને બેસી ગયા હોય છે. આવી એક નાનકડી હારની ખીંટી ઉપર તેઓ બધી જ શક્તિનું પોટલું ટીંગાડીને બેસી જાય છે. કાયર માણસ ખરેખરા મોત પહેલાં અનેક વાર મરે છે, તેવું શેક્સપિયરે અમસ્તું નથી કહ્યું.

આપણા ખંડમાં ક્યાંકથી ખરાબ હવા આવતી હોય તો આપણે એ દિશાની બારી બંધ કરી દઈએ છીએ. પણ મનમાં ખરાબ વિચારો ક્યાંથી આવે છે તેનો ખ્યાલ કરતા નથી કે એ દિશાનું આપણા મનનું બારણું બંધ કરતા નથી.મહાત્મા ગાંધીને હત્યારાની ગોળી વાગી ત્યારે એમના મોંમાંથી ‘હે રામ!’ના ઉદ્‌ગાર નીકળી પડ્યા તે કાંઈ આકસ્મિક નહોતા-તેની પાછળ જીવનભરનો જાપ હતો. મનમાં શ્રદ્ધાને સીંચવી પડે છે, મનમાં શ્રદ્ધાને ઘૂંટવી પડે છે. શ્રદ્ધા બરાબર ઘૂંટાય, મનની રગેરગમાં શ્રદ્ધાનું પરિભ્રમણ થવું જોઈએ. કોઈ માને કે ન માને શ્રદ્ધા વિનાનું જીવન ઝેર જેવું છે.

You might also like