વાસી ખોરાકનું સ્થાન પેટમાં નથી

આજે જમવાનું બનાવવાની આળસ કે સમયના અભાવે આપણે વાસી ખોરાક પેટમાં પધારાવીએ છીએ. વાસી ખોરાક શરીર માટે કેટલો જોખમી છે તે જાણો છો?

હવે લોકો ખોરાકને ડીપ ફ્રિઝમાં રાખીને બે-ત્રણ મહિના પછી પણ ખાતા અચકાતા નથી. વાસી ખોરાક શરીરના રસાયણતંત્ર પર અસર કરે છે. તેના કારણે વાળ ખરવા, ચીડિયાપણુ, બેધ્યાનપણુ, એસિડિટી, ફૂડ પોઇઝનિંગ, સ્નાયુઓમાં દુખાવો અને માસિકચક્રમાં સમસ્યા થઇ શકે છે.  શાસ્ત્રો મુજબ રાંધેલા ખોરાકનો ત્રણ કલાકની અંદર ઉપયોગ કરી લેવો જોઇએ. આ અંગે અમદાવાદનાં ન્યુટ્રિશનિસ્ટ બિંજલ શાહ કહે છે કે, “ફ્રૂટ જેવી વસ્તુ તો કટ કરીને તરત જ ખાઇ લેવી જોઈએ. વળી જે વસ્તુમાં પાણી હોય તે વસ્તુ ક્યારેય વાસી ન ખાવી. જેમ કે, શાકભાજી, ફ્રૂટ્સ અને રાંધેલો ખોરાક.”

તાજો ખોરાક જ આરોગવો
તાજા ભોજનનું સ્થાન કોઈ ન લઇ શકે. આદર્શ એ છે કે તમે રાંધેલા ખોરાકનો બેથી ચાર કલાકમાં જ ઉપયોગ કરો. ફ્રિઝમાં મૂકી રાખેલું ફૂડ આઠ કલાક સુધી લેવામાં ખાસ વાંધો નથી, પરંતુ તેથી વધુ તો ન જ રાખવું અને આઠ કલાક કરતાં જૂનો કે વાસી ખોરાક ન ખાવો. કેટલાક લોકો એક સાથે રાંધીને ફ્રિઝરમાં સ્ટોર કરી રાખે અને પછી તેમાંથી કાઢીને ખાધા કરે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. વાસી ખોરાકમાંથી પોષકતત્ત્વો પણ ચાલ્યાં ગયાં હોય છે.

રાંધેલા ખોરાકને વારંવાર ગરમ ન કરો
ખોરાકને વારંવાર ગરમ કરતાં તેમાં રહેલાં પોષકતત્ત્વો નાશ પામે છે અથવા તો બહાર રાખતા તે બગડી જાય છે. રસોઈ બનાવીને સહેજ ઠંડી થયા બાદ તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રિઝમાં મૂકી દેવું થોડું થોડું બહાર કાઢીને ગરમ કરવું. બે કલાકથી વધુ સમય ભોજન બહાર પડ્યું રહે તો તેમાં તંદુરસ્ત ને હાનિકારક બેક્ટેરિયા થઈ જાય છે.

ફ્રિઝમાં રાખેલી વસ્તુ કેટલી સારી?
લોકો રોટલી-ભાખરીનો લોટ બાંધીને ફ્રિઝમાં રાખે છે, શાક સમારીને અને ચટણીઓ બનાવીને ભરી રાખે છે. રોટલી-ભાખરીનો લોટ એકાદ દિવસ ચલાવી શકો છો, પરંતુ તેને એરટાઇટ ડબામાં રાખો અને વારંવાર બહાર ન કાઢો. જાતજાતની ચટણીઓ ફ્રિઝમાં સાચવવી યોગ્ય નથી. તેમાં ફોર્મેશન અને બેક્ટેરિયા ઉદભવે છે.

વધેલા ખોરાક માટેની સેફ્ટી ટિપ્સ
રાંધેલો ખોરાક બે કલાકથી વધુ બહાર ન રાખતા એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રિઝમાં મૂકો. કોઈ પણ ગરમ વસ્તુ ફ્રિઝ ન મૂકો. દરેક વસ્તુ અલગઅલગ ડબ્બામાં પેક કરીને ફ્રિઝમાં મૂકવી, જેથી એકના બેક્ટેરિયા બીજામાં ફેલાય નહીં.

ભૂમિકા ત્રિવેદી

You might also like