ફાલતુ ચીજોને ડિલીટ કરવામાં ક્યારેય ડીલે નહીં જ કરવાનું!

નૂતન વર્ષ પૂરું થયા પછી વૉટ્સ એપ. પર એક મસ્ત મૅસેજ વાંચવા મળ્યો: ‘પરમાત્મા તમને નવા વર્ષે મળેલા મૅસેજ ડિલીટ કરવાની શક્તિ આપે.’
માત્ર ગમ્મતના હેતુ માટે મોકલાયેલો આ મૅસેજ વાસ્તવમાં ગંભીર અને ખૂબ માર્મિક લાગ્યો.આપણને કશુંય ડિલીટ કરવાની આદત નથી, જે હોય તે બધું સંઘરી રાખવાનું વ્યસન છે.

આપણા ઘરમાં, મનમાં અને જીવનમાં તદ્દન નકામું હોય – ક્યારેય ઉપયોગમાં ન આવવાનું હોય એવું કેટકેટલું સંઘરેલું પડ્યું રહ્યું હોય છે ! ઘણી વખત તો એ નડતરરૃપ થઈને ડગલે ને પગલે પજવતું હોય છતાં આપણે એને છોડતા નથી કે એને દૂર કરતા નથી. આપણે માત્ર આળસ-પ્રમાદને કારણે જ એવું કરીએ છીએ એમ પણ નથી. પડ્યું હશે તો કોઈ વખત કામમાં આવશે એવી ગણતરી પણ એમાં ભળેલી હોય છે. ઘણા લોકોને વિવિધ ચીજવસ્તુઓનો સંગ્રહ કરતા રહેવાનો શોખ હોય છે, તો ઘણા લોકો બિઝી હોવાને કારણે તરત કશું ડિલીટ કરતા નથી અને એમ વિચારે છે કે પછી નિરાંતે ક્યારેક એકસામટું બધું નકામું ડિલીટ કરી દઈશું.

પણ બિનજરૃરી ચીજોનો મસમોટો ખડકલો થયા પછી એમાંથી નકામું અલગ તારવીને એને દૂર કરવાની પૂરતી ફુરસદ જલદી મળતી જ નથી, એટલે એ કામ આગળ ધકેલાતું રહે છે. ખડકલો મોટો થતો રહી આપણને ખટકતો રહે છે. નિરાંત મળતી નથી અને નડતરને નાથી શકાતું નથી. ડિવાઈસની મૅમરી ઓછી પડે છે એટલે નવું અને ઉપયોગી કશુંક પણ આવે તો એને એમાં ઉમેરી કે સમાવી શકાતું નથી. ક્યારેક તો નવું સ્વીકારી પણ શકાતું નથી. તરત સ્ક્રીન પર સૂચના આવે છે કે તમારી ડિવાઈસમાં જગા નથી. મૅમરી ફુલ છે.

આપણે ત્યારે નિરુપાય થઈ ગયા હોઈએ છીએ. આપણે સંઘરી રાખેલો ખડકલો હવે આપણો દુશ્મન બની બેઠો છે અને આપણને જ ભરડો દઈ રહ્યો છે. આપણે લાચાર બનીને હેરાન થતા રહેવું પડે છે.

જીવનમાંય આપણને એવી જ આદત વળગેલી છેને ! કોઈએ કશુંક કહ્યું, કોઈએ ગાળ દીધી કે આપણું ઇન્સલ્ટ કર્યું, કોઈએ એના સ્વાર્થ માટે આપણી ખુશામત કરી કે આપણને શાબાશીઓ આપી – એ કશું આપણે ડિલીટ કરી શકતા નથી. મનમાં અને હૃદયમાં એને સ્ટોર કર્યા કરીએ છીએ. જીવનની ડિવાઈસ ભારેખમ થતી રહે છે, વારંવાર હેંગ થતી રહે છે, આપણને નવું ક્રિએટિવ કશું વિચારવા દેતી નથી. આપણે મૂંઝાઈએ છીએ, ગૂંગળાઈએ છીએ. ન આપણે આગળ વધી શકીએ છીએ કે ન તો આપણે સંઘરેલી ફાલતુ વાતોના કૂંડાળામાંથી બહાર નીકળી શકીએ છીએ; ન આપણે બદલો લઈ શકીએ છીએ કે ન તો આપણે બદલો ચૂકવી શકીએ છીએ.

તરત નિર્ણય કરીને એનો યોગ્ય ઉકેલ લાવવો જરૃરી છે. કોઈ પણ મૅસેજે મળે એટલે તરત એને ફોરવર્ડ કરવા જેવો હોય તો ફોરવર્ડ કરવાનો, બહુ ઉપયોગી હોય તો એને સેવ કરવાનો નહીંતર ડિલીટ કરી દેવાનો. તરત નિર્ણય કરવાનો. ઢગલો થવા જ નહીં દેવાનો.

કોઈએ આપણું ઇન્સલ્ટ કર્યું હોય તો એ ભવિષ્યમાં આપણા કોઈ ક્રિએટિવ ઉપયોગમાં આવવાનું નથી જ. કોઈએ કરેલી ખુશામત આપણને કાંઈ સત્યનો પ્રકાશ આપવાની નથી. ઊલટાનું એ બધું આપણા પગમાં બેડી જ બનવાનું છે, એટલે તરત એનો નિકાલ કરી દેવો જોઈએ. કોઈના સારા મૅસેજ માટે એને થૅંક્સ કહેવા જેવું હોય તો થૅંક્સ કહીને એને ભૂલી જવાનું.

ઇનશૉર્ટ, બિનજરૃરી અને ફાલતુ કોઈ જ વસ્તુનો સંગ્રહ કરવાનો જ નહીં. ભવિષ્યમાં બધી સાફસફાઈ કરીશું એવી વાયદાબાજી કરવાની જ નહીં. ‘ધીરજનાં ફળ મીઠાં’ એવી કહેવતને અહીં લાગુ કરવાની જ નથી, અહીં તો એટલું યાદ રાખવાનું છે કે વિલંબનાં ફળ માઠાં. આપણી બેવકૂફીને કારણે મીઠાં ફળને બદલે માઠાં ફળ વેઠવાનાં આવે એમાં આપણાં ગયા ભવનાં કર્મોનો કે આપણા ગ્રહોનો કોઈ વાંક ખરો ? આપણું મન કાંઈ વાસી વિચારોનું મ્યુઝિયમ નથી, આપણું હૃદય કાંઈ દુષ્ટ ખ્યાલોનું કબ્રસ્તાન નથી. જે-તે બાબતને ઇન્સ્ટન્ટ ફિલ્ટર કરી દઈને અનિવાર્ય હોય એટલું જ સેવ કરવાનું, બાકીનું તરત ડિલીટ કરી દેવાનું. કરીશુંને ?!

You might also like