સારું કામ કરવા માટે કોઈની કદરના ઓશિયાળા ન બનો

માનવ સ્વભાવના ઊંડા અભ્યાસી વિલિયમ જેમ્સે કહ્યું છે કે કોઈક પોતાની કદર કરે તેવી ઝંખના મનુષ્ય સ્વભાવમાં પડેલી હોય છે. માણસ કંઈક સારું કામ કરે ત્યારે તે એવી અપેક્ષા રાખે છે કે કોઈક તેના કાર્યની કદર કરશે. ફ્રાંસના ચિંતક લા રોશેફોકોલ્ડે ત્યાં સુધી કહ્યું છે કે તમામ સાહિત્ય ને શૌર્યનાં કાર્યોનું પ્રેરકબળ શાબાશી મેળવવા માટેની માણસની પ્યાસમાં રહેલું છે.

માનવજાતના ઈતિહાસમાં એવાં બેશુમાર દૃષ્ટાંતો જોવા મળે છે જેમાં અનેક માણસોએ કદર કે શાબાશીની કશી તૃષ્ણા રાખ્યા વગર ઉપયોગી કાર્યો કર્યાં છે અને ઉત્તમ સર્જન પણ કર્યું છે.

માણસે કોઈ પણ સારું કામ એટલા માટે કરવું જોઈએ કે સારું કામ કરવાથી માણસને પોતાને સારું લાગે છે. બીજું એ કોઈ પણ સારા કામની કદર માણસો માત્ર શબ્દોથી કરે તો જ કદર થઈ કહેવાય તે ખ્યાલ ખોટો છે. કોઈ પણ સારા કામની સાચી કદર એ છે કે તે લોકોના ઉપયોગમાં કેટલું આવે છે. લોકો તે કામ કરનારનું નામ જાણતા હોય કે ન જાણતા હોય તેનો ઉપયોગ કરે અને તેનાથી રાહત મેળવે. સારું કામ ખરેખર સાચા સિક્કા જેવું છે. સિક્કા ઉપરનું નામ વંચાય કે ન વંચાય, એ સિક્કો માણસના વહેવારમાં સ્વીકારાય અને તેનું યોગ્ય મૂલ્ય મેળવી શકે તે જ તેની સચ્ચાઈ અને કદર.

દૃષ્ટાંત તરીકે આપણે સૌ જાણીએ છીએ કે શસ્ત્રક્રિયા કરાવવા માટે દર્દીને બેભાન કરવામાં આવે છે. દર્દીને અમુક સમય સુધી બેભાન કરવા માટે ‘એનેસ્થેસિયા’ આપવામાં આવે છે.‘એનેસ્થેસિયા’ માનવજાત માટે આશીર્વાદ રૂપ છે તે હકીકત આપણે સ્વીકારીએ છીએ પણ તેની શોધ કોણે કરી તે શું આપણે જાણીએ છીએ? ‘એનેસ્થેસિયા’ની શોધનો યશ વિલિયમ ટી.જી.મોર્ટનને આપવો પડે.

૪૯ વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો. તે અમેરિકામાં માસાચ્યુએટ્‌સના ચાર્લટન ખાતે જન્મ્યો હતો. છતાં ‘એનેસ્થેસિયા’ની શોધ માટે માત્ર મોર્ટનને એકલાને જ યશભાગી ન ગણતા હોરેસ વેલ્સ, ચાર્લ્સ જેક્સન અને લોફેડ ડબ્લ્યુ. લોંગને પણ તેમાં ભાગીદાર ગણવા પડે.

વીજળી પુરવઠો બંધ થઈ જાય તો આપણે કેટલા અકળાઈ જઈએ છીએ? વીજળીનાં જે અનેકાનેક સાધનોનો લાભ આજે આપણને મળી રહ્યો છે તેને માટે જે વૈજ્ઞાનિકોને યાદ કરીએ તો તેમની યાદી ઘણી લાંબી છે. તેમાં બે નામ બહુ મોટાં છેઃ માઈકલ ફેરેડે અને જેમ્સ ક્લેર્ક મેક્સવેલ. બંને અલગઅલગ કામ કરતા હતા. ફેરેડે તદ્દન ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. ઈંગ્લેન્ડનો આ વૈજ્ઞાનિક ચૌદ વર્ષની ઉંમરે બુક્સેલરને ત્યાં નોકરીમાં લાગી ગયો હતો. તેને વાંચવાનો ખૂબ શોખ. તેની આ ટેવથી પ્રભાવિત થઈને વૈજ્ઞાનિક હમફ્રી ડેવિડે તેને પોતાનો મદદનીશ બનાવ્યો.

માઈકલ ફેરેડેએ કદી એવી અપેક્ષા રાખી નહોતી કે તેના કામની કોઈ કદર કરશે! કીર્તિ, પૈસા કે માન-સન્માનની પણ કંઈ પરવા નહીં! બ્રિટનની સરકારે ‘નાઈટ’નો ઈલકાબ આપવાની તત્પરતા બતાવી, પણ ફેરેડેએ વિનયપૂર્વક તેનો ઈનકાર કર્યો.

આજે આપણે પુસ્તકોની જે અદ્‌ભુત દુનિયામાં રાચીએ છીએ તે બધું કાગળ વગર શક્ય બન્યું હોત? શું આપણે જાણીએ છીએ કે કાગળની શોધ કોણે કરેલી? આજથી ઓગણીસસો વર્ષ પહેલાં ચીનના શહેનશાહ હોતીના દરબારમાં એક અમલદાર હતો. ત્સાઈ લુ તેનું નામ. તેણે કાગળ બનાવ્યો. ચીનમાં ઘરેઘરે તેનું નામ જાણીતું છે પણ પશ્ચિમની દુનિયામાં તેનું નામ સ્વીકારાયું નથી.
માનવજાત માટે ઉપકારનાં અસંખ્ય કામો કરનારા વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહસિકો, અભ્યાસીઓ અને તપસ્વીઓનાં નામોની યાદી બનાવવા બેસવું તે આકાશના તારા ગણવા જેવું અશક્ય કામ છે.

ધ્યાનમાં લેવા જેવો મુદ્દો એક જ છે કે કોઈ પણ સારું કામ કરવા માટે આપણે કોઈની કદરના ઓશિયાળા બનવાની જરૂર નથી. જેમણે માનવકલ્યાણનાં કામ કર્યાં છે તેમણે દુનિયા પાસેથી કામના બદલામાં કોઈ સરપાવ કે માનચાંદની અપેક્ષા રાખી નથી.

You might also like