ડીએનએ મેચ ન થતા ગીતાનું ભાવિ ધૂંધળું

નવી દિલ્હી : પાકિસ્તાનથી ૧૪ વર્ષ બાદ પરત ફરેલી ગીતાને પોતાના દીકરી ગણાવનારા સહરસાના જનાર્દન મહતો પરિવાર સાથે ડીએનએ મેચ ના થતા હવે ગીતાના ભવિષ્ય અંગે મૂંઝવણની પરિસ્થિતિ ઊભી થઈ છે. સહરસાના આ પરિવારે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની હાજરીમાં ગીતા સાથે મુલાકાત કરી હતી. ગીતાએ ત્યાં પણ મહતો પરિવારને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો જો કે, તેણે પાકિસ્તાનમાં ફોટાઓ પરથી તેમને ઓળખ્યા હતા.
ગીતાએ તેમને ના ઓળખતા આ પરિવારે દાવો કર્યો હતો કે, ડીએનએ તપાસમાં બધુંુ સ્પષ્ટ થઈ જશે. પાકિસ્તાનથી ભારત પરત આવેલી ગીતા ઈન્દોરની એક મૂકબધિર સંસ્થામાં રહે છે, જયારે વિદેશ મંત્રાલય સતત તેના સાચા પરિવારજનોને શોધી રહ્યું છે.
નોંધનીય છે કે, ગીતા સાત-આઠ વર્ષની ઉંમરમાં જ પાકિસ્તાનના રેન્જર્સને સમજૌતા એકસપ્રેસમાં લાહોર રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. ત્યારબાદ તેને ઈદી ફાઉન્ડેશનના બિલકીસબાનુએ દત્ત્।ક લીધી હતી અને પોતાના પરિવાર સાથે લાહોરમાં જ રાખી હતી. પાકિસ્તાનમાં એક દશકથી વધારે સમય ગુજાર્યા બાદ ગીતા ૨૬મી ઓકટોબરે ભારત પરત ફરી હતી. ભારત સરકારે તેના સાચા પરિવારની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
ગીતાને પરત લાવ્યા બાદ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, ગીતાના ડીએનએ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે અને જો મહતો પરિવાર સાથે તેના સેમ્પલ મેચ થશે તો તેમને સોંપવામાં આવશે. જયારે નમૂના મેચ નહીં થાય તો સરકાર તેના સાચા પરિવારની શોધખોળ ચાલુ રાખશે. તે સમયે સુષ્માએ એમપણ કહ્યું હતું કે, ગીતાને પણ જૂની વાતો યાદ કરવા માટે પ્રોત્સાહન આપવામા આવશે. સુષ્માએ ગીતાની દેખરેખ માટે ઈદી ફાઉન્ડેશનની પ્રશંસા પણ કરી હતી.

You might also like