દિવાળી વેકેશન ઇફેક્ટ : વિમાનનાં ભાડાં ચાર ગણાં જેટલા વધી ગયાં

અમદાવાદ: દિવાળી વેકેશન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે અમદાવાદથી અન્ય સ્થળોએ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરનારાઓએ ખિસ્સાનો ભાર વધારવાની તૈયારી રાખવી પડશે. વેકેશન ટૂરનું આગોતરું આયોજન નહીં કરનારા અમદાવાદીઓને ગોવા ફરવા જવું હશે તો એક તરફી રૂ.૩૦થી ૩પ હજારનું એક વ્યક્તિનું ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે હિમાચલ, ગોવા અને દક્ષિણ ભારત હોટ ફેવરિટ રહે છે. મોટા ભાગના લોકો ગોવા જવાનું વધુ પસંદ કરે છે જે પરિસ્થિતિ હવાઈ ભાડાંની છે તે જ પરિસ્થિતિ ટ્રેન રિઝર્વેશનની છે ટ્રેનોનાં વેઇટિંગ લિસ્ટ ૪૦૦ આસપાસ પહોંચી ગયાં છે
અત્યારે ટ્રાવેલ એજન્ટો પણ ટૂર પેકેજમાં એક્સ દિલ્હી કે મુંબઈના રૂ.૭ થી ૧૦ હજાર વસૂલે છે. ર૦, ઓક્ટોબરે અમદાવાદથી ગોવાનું ફલાઇટનું ભાડું રૂ.૩૦,૦૦૦ છે, ર૧ ઓક્ટોબરે રૂ.ર૯ હજાર છે. ૧૮ ઓક્ટોબરે અમદાવાદ દિલ્હીનું ભાડું ૧પ૦૦૦ છે. અમદાવાદ મુંબઈનું ભાડું ૧૮ ઓક્ટોબરે રૂ. ૧૮હજાર સુધીનું છે  અમદાવાદ જયપુર રૂ.૧૦ હજાર સુધી ,અમદાવાદ હૈદરાબાદ રૂ.૧ર હજાર સુધી અમદાવાદ કોલકાતા રૂ.૧૩ હજાર સુધી ૧૮ ઓક્ટોબરના દિવાળી વેકેશન શરૂ થવાના પહેલા દિવસનાં હવાઈ ભાડાં છે, જે હજુ વધવાની શક્યતા છે.

સામાન્ય દિવસોમાં આ ભાડાં ૩ હજારથી ૭ હજાર સુધીનાં રહે છે ફરવા જવા માટે કોઈ એક વ્યક્તિ દીઠ હવાઇ ભાડાનાં આવવા જવાના ૧પથી ૩૦ હજારનાં બજેટ છેલ્લી ઘડીએ ટૂર પ્લાન કરનારાઓએ ખર્ચવા પડશે.

૧ર૦ દિવસ પહેલાં ટ્રેનનું બુકિંગ શરૂ થતાંની સાથે જ રિઝર્વેશન માટે પડાપડી થતી હોય છે તેના પગલે જ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનનાં કન્ફર્મ રિઝર્વેશન બંધ થઈ ગયાં છે અને વેઇટિંગ લિસ્ટ ૪૦૦ની આસપાસ થયું છે તાપી ગંગા એક્સપ્રેસ ,ભાગલપુર સુપર ફાસ્ટ, અવધ એક્સપ્રેસ, મુઝફ્ફરપુર, શ્રમિક, દાનાપુર, ગરીબ રથ, બાંદ્રા ટર્મિનસ, બિકાનેર સ્પેશિયલ, ઓખા શિરડી બાંદ્રા ઇન્દોર ટ્રેન હાઉસફુલ રહી છે મુંબઈ દિલ્હી અને સાઉથ તરફ જતી તમામ ટ્રેન ૧૮ ઓક્ટોબરથી વેઇટિંગમાં આવી ગઈ છે રેલવે જોકે સ્પેશિયલ ટ્રેન દોડાવી રહી છે પરંતુ પ્રવાસીઓના ધસારાને જોતાં વેકેશન દરમિયાન કન્ફ્રર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે.

You might also like