અા દિવાળીમાં મીઠાઈ-ફરસાણ ૧૫થી ૨૦ ટકા મોંઘાં પડશે

અમદાવાદ: દિવાળીના તહેવારો નજીક આવતાંની સાથે જ મીઠાઇ બજારમાં ગરમાવો આવ્યો છે, પરંતુ મીઠાઇ મોંઘી થતાં ગૃહિણીઓએ ખરીદીમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે મીઠાઇ-ફરસાણમાં ૧૦ ટકા જેટલો વધારો થતો રહે છે. આ વર્ષે તેમાં જીએસટીનું ગ્રહણ ઉમેરાતાં મીઠાઇ હવે કડવી બનશે. સામાન્ય જનતા દર વર્ષે તહેવારોમાં મીઠાઇ અને ફરસાણનાં બજેટ બનાવે છે તેમાં આ વર્ષે કાપ મૂકવાનો વારો આવ્યો છે.

દિવાળીમાં ડ્રાય ફ્રૂટ્સનું વેચાણ સૌથી વધુ થાય છે. અંજીર-‌િપસ્તાના ભાવમાં પ ટકા વેટ હતો જે વધી હવે ૧ર ટકા જીએસટી લાગુ થયો છે એટલું જ નહીં, ઘીના ભાવમાં પ ટકા વેટ લાગતો હતો તે વધી હવે ૧ર ટકા જીએસટી દર લાગતાં ફી અને ડ્રાય ફ્રૂટ્સ સાથેની મીઠાઇમાં ર૦ ટકાથી વધુનો વધારો થયો છે. કાજુકતરી, પિસ્તા રોલ, અંજીર રોલ કે મોહનથાળ સ‌િહતની ઘી અને ડ્રાય ફ્રૂટથી બનતી મીઠાઇઓ મોંઘી થઇ છે.

મીઠાઇ મોંઘી થવાના કારણે લોકો ઘર, પરિવાર માટે ચાલુ વર્ષે ઓછા ગ્રામની મીઠાઇ ખરીદશે તેવી ચિંતા વેપારીઓને સતાવી રહી છે. ચોકલેટ પણ લક્ઝરી આઇટમ બની ગઇ છે. દિવાળીના તહેવારોમાં મુખવાસનું સ્થાન હવે ચોકલેટે લીધું છે, પરંતુ ચોકલેટ પર ર૮ ટકા જીએસટી લાગુ પડતાં ચોકલેટ તો મોંઘી થઇ જ છે, પરંતુ ચોકલેટ પાઇ, ચોકલેટ મ‌િફન્સ, ચોકલેટ બેકરી આઇટમ અને ચોકલેટ બરફી સહિત ચોકલેટવાળી મીઠાઇઓના ભાવમાં ૧૦૦ થી ર૦૦ ટકાનો વધારો થયો છે, જે મીઠાઇ શોખીનો કે આરોગનારાઓને ઝટકો અપાવશે. ચાંદીનો વરખ મોટા ભાગની મીઠાઇમાં વપરાય છે, તેના પર ૩ ટકા અને ફરસાણમાં ૧ર ટકા જીએસટી લાગુ પડતાં ફરસાણ અને મીઠાઇના ભાવ વધ્યા છે. શુગર ફ્રી મીઠાઇના ભાવ આસમાને છે. રૂ.૮૦૦ થી ર૦૦૦ સુધી તેનો કિલોનો બજારભાવ ચાલી રહ્યો છે.

ગત વર્ષે કાજુકતરીનો રૂ.૭૦૦ કિલોનો ભાવ હતો, જે વધીને આ વર્ષે રૂ.૮૦૦ થયો છે. કાજુ-પિસ્તા રોલ, કાજુ અંજીર રોલ, કાજુ ડ્રાય ફ્રૂટ પાનનો ભાવ ૮૦૦ થી રૂ.૮ર૦ કિલોનો હતો, જે વધીને આ વર્ષે રૂ.૯૦૦ થી ૧૦૦૦ કિલોદીઠ થયો છે. અંજીર બદામ મીઠાઇ રૂ.૯૦૦નો ભાવ હતો, હવે ૯૮૦થી ૧૦રપ સુધી થયો છે. રેગ્યુલર ગણાતી મીઠાઇ મોહનથાળનો ભાવ ૪પ૦ થી વધી પર૦ સુધી થયો છે. કેસર પિસ્તા ઘારી કે અંજીર રોલનાે ભાવ ૪પ૦ થી પપ૦ થયાે છે. ચોકલેટ બરફી ૪૦૦થી વધી પપ૦ થઇ છે, જ્યારે ચોકલેટ બોકસનાે ભાવ રૂ.૧૦૦ થી ર૦૦ હતાે તે હવે વધીને ર૦૦ થી ૩૦૦ થયાે છે.

આ અંગે ફરસાણ અને મીઠાઇ એસોસિયેશનના પ્રમુખ મુરલીધર અગ્રવાલે જણાવ્યું હતું કે ઘી, ફરસાણ અને ડ્રાય ફ્રૂટમાં જીએસટીના દર વધતાં મીઠાઇ મોંઘી થઇ છે, કારણ કે મોટા ભાગની મીઠાઇ ઘી કે ડ્રાય ફ્રૂટવાળી જ રહે છે. અને લોકો પણ એ જ પસંદ કરે છે. ચોકલેટ પણ મોંઘી થતાં ગ્રાહકો ખરીદી કરશે, પરંતુ ગ્રામમાં કાપ મૂકે તેવી શક્યતા છે.

You might also like