મોટા ભાગનાં બજારમાં છેલ્લી ઘડીએ ઘરાકીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો

અમદાવાદ: દિવાળીના તહેવારોના પગલે રેડીમેડ ગાર્મેન્ટ, કાપડ બજાર, ઓટોમોબાઇલ, જ્વેલરી બજારમાં છેલ્લી ઘડીએ ભરપૂર ઘરાકી જોવા મળી હતી. બોનસ, પગાર છૂટતાં લોકો બજારમાં ખરીદી કરવા ઊમટી પડ્યા હતા. જ્વેલરી બજારમાં સરકારી નિયમો હળવા કરાતા તથા વેપારી દ્વારા ઘડામણ પર ડિસ્કાઉન્ટ અપાતા મોટી ખરીદી નોંધાઇ હતી. ઓટો સેક્ટરમાં પણ કંપનીઓએ જીએસટી બાદ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપતાં વેચાણમાં વધારો જોવા મળ્યો હતો.

કાપડ બજારઃ ૫૦ ટકાથી વધુ કાપડનો વ્યવહાર કાચા ચિઠ્ઠા પર થાય છે. નોટબંધી બાદ કાપડ બજાર પર સીધી નકારાત્મક અસર જોવાઇ હતી, પરંતુ દિવાળીના તહેવારમાં બોનસ અને પગારના પગલે ખરીદીમાં ઉત્સાહ જોવાયો હતો. છેલ્લી ઘડીએ ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટનાં બજારમાં ઘરાકી નીકળી હતી, જેના કારણે વેપારીઓ આનંદમાં આવી ગયા હતા.

જ્વેલરી બજારઃ સરકારે મની લોન્ડરિંગ એક્ટ સહિત જ્વેલર્સ અને ગ્રાહક માટે નિયમો કડક બનાવતાં જ્વેલરી બજારને સીધી અસર થઇ હતી.પરંતું કેવાયસીના નોર્મ્સ હળવા કરાતા સ્થિતિ સુધરી છે. જ્વેલરી બજારમાં ફરી એક વખત ચમક જોવા મળી છે અને સાધારણ રાહત થઇ છે. આ અંગે જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે સરકારે કેવાયસી નોર્મ્સમાં રાહત આપતા જ્વેલરી બજાર પર પોઝિટિવ અસર નોંધાઇ છે. પાછલા વર્ષ કરતાં ચાલુ વર્ષે દિવાળીમાં ૧૦થી ૧૫ ટકા માર્કેટમાં સુધારો નોંધાયો છે.

ઓટોમોબાઇલ માર્કેટઃ જીએસટી બાદ કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટ અપાતા ઓટો સેક્ટરમાં વેચાણ વધેલું જોવા મળ્યું હતું. ઓટોમોબાઇલ એસોસેયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ૧૦થી ૨૦ ટકા વેચાણ આ સેક્ટરમાં વધ્યું હતું.

You might also like