દિવાળી પછી રાજ્યના જુદા જુદા હાઈવે પર અકસ્માતનો સિલસિલો

અમદાવાદ: દિવાળી પછી રાજ્યના જુદા જુદા હાઈવે પર અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ભાઈબીજનો તહેવાર મનાવી પરત અાવી રહેલા બે ભાઈઓ સહિત કુલ અાઠ વ્યક્તિઓનાં ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયાં હતાં, જ્યારે ૧૨થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.

ભરૂચ નજીક અાવેલા ભાડભૂત ગામે રહેતો અશ્વિન ભૂપતભાઈ પટેલ નામનો યુવાન તેની બહેન સાથે ભાઈબીજ મનાવી કોસંબા તરફથી અાવી રહ્યો હતો ત્યારે અંક્લેશ્વર રોડ પર બાકરોલ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી તેનું મોત થયું હતું. જ્યારે ગોંડલ નજીક ગુંદાળા ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસની અડફેટે અાવી જતાં સુરેશ અમરશી નામના યુવાનનું મોત થયું હતું. અા યુવાન ભાઈબીજના દિવસે તેની બહેનને મળી અાવતો હતો ત્યારે અા ઘટના બની હતી.

જ્યારે નવસારી-વ્યારા રોડ પર બુહાડી નજીક નાસિક તરફથી અાવી રહેલી કાર ઝાડ સાથે અથડાતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. ભાવનગર-વલભીપુર રોડ પર મહેસાણા ગામ પાસે લક્ઝરી બસે બાઈકને અડફેટે લેતાં કિશોર અમરશીભાઈ મિયાણી નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. મોરબીના વનાળિયા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થતાં મેહુલ ર‌િતલાલ નામના ૧૨મા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. ધોરાજી-જેતપુર રોડ પર લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં દસ જેટલા મજૂરને ઈજા પહોંચી હતી.

You might also like