દિવાળી સુધીમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ શકે છે

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ નીચા હોવા છતાં સ્થાનિક ઓઇલ કંપનીઓ એક યા બીજું કારણ આગળ ધરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. છેલ્લા ઘણા વખતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રજાના વધતા વિરોધ વચ્ચે પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગામી દિવાળી સુધીમાં ઘટાડો થઇ શકે છે તેમ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વધતા જતા ભાવને અંકુશમાં રાખવા સરકારે રાજ્યો દ્વારા લેવામાં આવતા વેલ્યુએડેડ ટેક્સને સમગ્ર દેશમાં એકસરખો રાખવાની પણ રાજ્યો વચ્ચે સંમતિ સાધવાની કવાયત હાથ ધરી છે. દરમિયાન પેટ્રોલ અને ડીઝલના રોજેરોજના ભાવવધારા સામે વિરોધ પક્ષો વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જ્યારથી રોજેરોજ ભાવની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓ સતત વધારો કરી રહી છે. અમૃતસરના પ્રવાસે ગયેલા પેટ્રોલિયમ પ્રધાને આશા વ્યક્ત કરી છે કે દિવાળી સુધીમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થઇ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે રિફાઇનરી ઓઇલના ભાવમાં એટલા માટે વધારો નોંધાયો છે કે અમેરિકામાં જોવા મળેલી કુદરતની આફતના કારણે ઓઇલ કંપનીઓના પ્રોડક્શનમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં લાવવા સંબંધે એક પ્રશ્નના જવાબમાં પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ પણ જીએસટીમાં આવી જશે. આ કારણે સમગ્ર દેશમાં એકસરખું ટેક્સ માળખું ઊભું થશે અને ગ્રાહકોને તેનો સીધો ફાયદો થશે.

You might also like